બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2021 (11:18 IST)

ગાંધીજીએ લગ્ન બાદ 3 ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધાં હતાં

પોરબંદરમાં જન્મીને વિશ્વ-માનવ બનેલા મહાત્મા ગાંધીજી સાથે આમ તો પોરબંદરનો નાતો ખૂબ જ ટૂંકો રહ્યો છે, પરંતુ તેમ છતાં પોરબંદરના ત્રણ ધર્મ સ્થળો માત્ર ગાંધીજી સાથે જ નહી પરંતુ તેમના ધર્મપત્ની કસ્તુરબા સાથે અને ગાંધીજી તથા કસ્તુરબાના લગ્ન-જીવન સાથે જોડાયેલા છે. પોરબંદરના ઇતિહાસવિદ અને પુરાતત્વવિદ નરોતમભાઇ પલાણે જણાવ્યું હતું કે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કુતિયાણાથી પોરબંદર આવ્યા હતા અને પોરબંદરના દીવાન બન્યા હતા. પરંતુ ગાંધીજીના જ્યારે લગ્ન લેવાયા ત્યારે ગાંધીજીનો પરિવાર પોરબંદર છોડીને રાજકોટ સ્થાયી થઇ ગયો હતો અને ગાંધીજીના જન્મ સ્મારક વાળા મકાનની પાછળ જ કસ્તુરબા તેમના પરિવાર સાથે રહેતાં હતાં, તેથી ગાંધીજી પરણવા માટે ગાડામાં જાન લઇ રાજકોટથી પોરબંદર આવ્યા હતા અને પોરબંદરમાં ગાંધીજી અને કસ્તુરબાના લગ્ન થયાં હતાં. લગ્ન બાદ ગાંધીજી તેમના જન્મ સ્થાનવાળા મકાનની બાજુમાં આવેલી શ્રીનાથજીની હવેલીમાં સજોડે દર્શન કરવા ગયા હતા, તે ઉપરાંત તેમના ઘરની પાછળ આવેલા શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરે પણ ગાંધીજી અને કસ્તુરબા લગ્ન બાદ સજોડે આશીર્વાદ લેવા ગયા હતા. તે ઉપરાંત પોરબંદરમાં મુરાત્સા પીરની દરગાહે પણ આશીર્વાદ લેવા ગયા હોવાનું નરોતમભાઇ પલાણે ઉમેર્યુ હતુ. ગાંધી પરિવારની પ્રણાલી મુજબ કુળદેવી સતી માતાના દર્શન કરવા આ જોડું કુતિયાણા ગયુ ન હતુ પરંતુ લગ્ન કરી પરત રાજકોટ ફરવાનું હોવાથી રસ્તામાં ગોંડલ ખાતે સતી માતા એટલે કે ભુવનેશ્વરી માતાના મૂળ મંદિરે દર્શન કરવા ગયુ હતુ.