1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ઑગસ્ટ 2021 (13:36 IST)

પવિત્ર શ્રાવણ માસનો આજે ચોથો સોમવાર અને જન્માષ્ટમીના પાવન પર્વે સોમનાથમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને દેશભર માંથી ભાવિકોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. આજે શ્રાવણ માસનો સોમવાર છે. તો સાથો સાથ જન્માષ્ટમી પણ છે. ત્યારે ભાવિકોનો ઉત્સાહ બેવડાયો છે. ભાવિકોએ સોમનાથ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો અમદાવાદથી 420 કિમીનું અંતર કાપીને એક શિવ ભક્ત સાઇકલ લઇને 24 કલાકમાં સોમનાથ પહોંચ્યા છે.શ્રાવણ માસ એ ભક્તિ અને શક્તિનો માસ છે.

શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે, સાક્ષાત શિવજી આ પવિત્ર માસમાં કૈલાશ પરથી ધરતી પર આવે છે. આ મહિના દરમિયાન ભોળાનાથની ભાવપૂર્વક ભક્તિ કરવાથી સાત જન્મોનાં પાપોનો નાશ થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ માંથી મહાદેવ તેના ભક્તોને ઉગારે છે.પવિત્ર શ્રાવણ માસનાં સોમવારે સોમનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો સમુંદર ઉમટ્યો હતો. આજે શ્રાવણનો સોમવારની સાથે જન્માષ્ટમી પણ હોય કૃષ્ણ અને શિવ ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો. ભોળાનાથ સોમનાથ દાદાને રિઝવવા દર્શનાર્થીઓએ લાઇન લગાવી હતી. ગત સોમવારની સરખામણીએ આજે ભાવિકોની સંખ્યા બેવડાઈ હતી.કોઈપણ જાતના સપોર્ટ વ્હિકલ અને ઊંઘયા વગર અમદાવાદથી સોમનાથ 420 કિમી અંતર 24 કલાકમાં 18 કલાક સઇકલિંગ કરીને અમદાવાદ પૂર્વના સિટીએમ વિસ્તારમાં રહેતા કૃતજ્ઞ પટેલ ઉર્ફે કે.પી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. તા. 28 ઓગસ્ટના સાંજે 6 વાગે પ્રથમ પેડલ અમદાવાદમાં માર્યું હતું. જ્યારે છેલ્લું પેડલ તા.29/08/2021ના સાંજે 6 વાગે સોમનાથમાં હતું