શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 માર્ચ 2022 (09:43 IST)

આજે મહાશિવરાત્રીઃ ભવનાથના મેળામાં 6 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં, આજે સાધુ સંતોની રવેડી,મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ

ભવનાથ ખાતે યોજાઇ રહેલો મહા શિવરાત્રીનો મેળો હવે તેના અંતિચ ચરણમાં પહોંચ્યો છે. દરમિયાન મેળાના 4 દિવસમાં 6,75,000થી વધુ ભાવિકો ઉમટી પડયા હતા. પરિણામે માનવ મહાસાગર ઘૂઘવતો હોય ભવનાથ ભરચક્ક થઇ ગયું હતું. જ્યારે મંગળવારે રવેડી, અંત કરસરતા દાવ તેમજ મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે.

ભવનાથ ખાતે મહાવદ નોમ 25 ફેબ્રુઆરીના ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે 5 દિવસીય મહા શિવરાત્રીના મેળાનો વિધીવત પ્રારંભ કરાયો હતો. બે વર્ષ કોરોનાના કારણે સામાન્ય લોકો મેળો માણી શક્યા ન હતા.પરિણામે બે વર્ષ બાદ યોજાયેલા મેળાના પ્રથમ દિવસથી જ ભાવિકો ઉમટી પડ્યા હતા. મેળાના 4 દિવસમાંથી 3 દિવસતો ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા ખાસ કરીને સાંજના સમયે ટ્રાફિક જામ થતા ભરડાવાવ-સ્મશાન ચાર રસ્તાથી જ વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો અને ભાવિકોને ચાલીને મેળામાં જવું પડ્યું હતું. તેમ છત્તાં 6,75,000થી વધુ ભાવિકોએ મેળાને મનભરીને માણ્યો હતો.દરમિયાન મેળો હવે તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે. મંગળવારે મહા શિવરાત્રી સાથે મેળાની પૂર્ણાહૂતિ થનાર છે. ત્યારે મંગળવારે ભવનાથ મંદિર પાછળ આવેલ જૂના અખાડાથી દિગંમ્બર સાધુની રવેડી નિકળશે.

જૂના અખાડા, શ્રી શંભુુ પંચદશનામ અખાડા, અગ્નિ અખાડા અને આહ્વાન અખાડા તેમજ ગિરનાર મંડળના સાધુ સંતોની રવેડી નિકળશે. આ રવેડીમાં દિગંબર સાધુઓ તલવા બાજી, લાઠી દાવ તેમજ હેરત અંગેજ અગ કસરતના દાવ રજૂ કરશે. રવેડીને નિહાળવા મંગળવાર બપોરથી જ ભાવિકો પોતાનું સ્થાન જમાવી લે છે. જુદા જુદા રૂટ પર ફરી રવેડી ભવનાથ મંદિર ખાતે આવશે જ્યાં મૃગીકુંડમાં શાહી સ્નાન અને ભવનાથ મહાદેવની પૂજા સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે. બાદમાં મેળામાં આવેલા સાધુ, સંતો પોત પોતાના આશ્રમોમાં જવા રવાના થશે અને ભાવિકો પણ પોતાના માદરે વતન જવા રવાના થશે.મહા શિવરાત્રી મેળામાં પરંપરાગત વસ્તુનું ધૂમ વેંચાણ થઇ રહ્યું છે. ખાસ કરીને બાળકો માટેની ઢીંગલની સારી ખરીદી થઇ રહી છે. ગોંડલના પરિવારે જણાવ્યું હતું કે, 40 વર્ષથી ઢીંગલીઓ બનાવીએ છીએ. ખાસ કરીને જૂનાગઢમાંશિવરાત્રી મેળો, લીલી પરિક્રમા તેમજ થાનમાં યોજાતા તરણેતરના મેળામાં ઢીંગલીનું વેંચાણ કરીએ છીએ. બે વર્ષ પછી મેળો થયો હોય સારૂં વેંચાણ થયું છે.મહિલાઓ માટે માળાનું વિશેષ આકર્ષણ હોય છે. ત્યારે મેળામાં અનેક વેપારીઓ જાત જાતની માળાઓનું વેંચાણ કરી રહ્યા છે. ખાસ કરીને 100 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીની માળા વેંચાઇ રહી છે. અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે પરિણામે વેપારીઓને પણ તડાકો પડ્યો છે.