ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ડિસેમ્બર 2020 (12:34 IST)

દંડની વસૂલાતમાં વધુ પારદર્શિતા લાવતો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

દંડની વસૂલાતમાં વધુ પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક ગુન્હાઓમાં વાહન માલિક/ડ્રાઈવર/કન્ડક્ટર/પેસેન્જરની જવાબદારી અંગે વધુ સરળીકરણ કર્યુ છે. ટ્રાફિક ગુન્હાઓમાં વાહન માલિક/ડ્રાઈવર/કન્ડક્ટર/પેસેન્જર પાસેથી જ ડબલ દંડના બદલે હવે ગુન્હા માટે  જવાબદાર વ્યક્તિ પાસેથી જ દંડ વસુલ કરવામાં આવશે એમ બંદરો અને વાહન વ્યવહાર વિભાગની યાદીમાં જણાવાયું છે.
 
માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને આરટીઓ સંબંધિત કામગીરીમાં વધુ સરળતા લાવવા કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ્સ એક્ટ નં. ૩૨/૨૦૧૯ થી મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮માં સુધારા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી પરેશાની ન થાય તે દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખી આ સુધારાના અમલીકરણ માટે અનેકવિધ પગલાં લીધા છે. રાજ્ય સરકારે નવા કાયદાના અમલીકરણ સંબંધે ટ્રાફિક ગુન્હાઓમાં સ્થળ, દંડ/માંડવાળ ફીના સરળ દર અમલમાં મૂક્યા છે. 
 
ટ્રાફિક ગુન્હાઓમાં ખરેખર જવાબદાર ડ્રાઇવર, માલિક કે વાહન સંબંધિત જવાબદારીઓ કાયદાકીય જોગવાઈઓ અનુસાર સ્પષ્ટ થાય તથા અર્થઘટનના ગૂંચવાડા ઊભા ન થાય તે ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે ટ્રાફિક ગુન્હાઓ માટે ખરેખર જવાબદાર હોય તેની પાસેથી માંડવાળ ફી વસૂલ કરવાની જોગવાઈઓ નક્કી કરતો ઠરાવ બહાર પાડયો છે. આ ઠરાવની અમલવારી થતા હવે પછી અમુક જોગવાઈ સિવાય મોટાભાગના ગુન્હાઓ માટે વાહન માલિક ડ્રાઇવર, કન્ડક્ટર કે પેસેન્જર પાસેથી જ ડબલ દંડના બદલે ગુન્હા માટે જવાબદાર વ્યક્તિ પાસેથી જ દંડ વસૂલ કરવામાં આવશે.
 
રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી નાગરીકોની ટ્રાફિક ગુન્હાઓ અંગે સભાનતા વધશે અને દંડની વસૂલાતમાં વધુ પારદર્શિતા આવશે, તેમ વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગરની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.