શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (12:22 IST)

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોએ 55 કરોડ રૂપિયા દંડના ભર્યા જ નહી

અમદાવાદમાં  ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઇચલણ ધ્વારા દંડ તો કરવામાં આવે છે. તેમ છતાં લોકો દંડ ના ભરતા હોવાથી ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. ચાર વર્ષના સમયગાળામાં 5 કે તેથી વધારે ઇ-ચલણ આવ્યા હોય તેમ છતાં દંડ ના ભર્યો હોય તેવા નાગરિકોને નોટીસ આપવામા આવશે. તેમ છતાં દંડ નહી ભરે  તેવા વાહનચાલકોના 10 દિવસમાં  લાયસન્સ અને આર.સી બુક રદ કરવા સુધીની કાર્યવાહી ટ્રાફિક પોલીસ કરશે તેમ ટ્રાફિક પોલીસના અધિકારીઓ જણાવી રહ્યા છે.

ટ્રાફિકના અધિકારીઓ ધ્વારા દંડ વસુલવા માટે પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખાસ ટીમો બનાવવામાં આવશે. જેને દંડ નહી ભર્યો હોય તેવા લોકોનો સ્થળ ઉપર જ દંડ વસુલ કરશે.એક કાર ચાલકે 111 વાર ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો  છતાં પોલીસ ચાર વર્ષે જાગી છે. પોલીસ દ્વારા ચાર વર્ષના સમયગાળા દરમિયાન 5 કે તેથી વધારે ચલણ બાકી હોય તેવા વાહનચાલકોની પોલીસે ઓળખ કરી લીધી છે.

ટ્રાફિકના ડીસીપી અજીત રાજીયાણે જણાવ્યુ છે કે 2015થી 2019 સુધીના ચાર વર્ષના સમયગાળામાં ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી 55 કરોડ રૂપિયાની વસુલી કરવાની બાકી નીકળે છે. 5 કે તેથી વધુ વાર નિયમોનો ભંગ કરનાર 1400 વાહન ચાલકો પાસેથી 35 કરોડ રૂપિયા વસુલવાના બાકી છે. સૌપ્રથમ ટ્રાફિક પોલીસ 5 કે તેથી વધારે વાર દંડ નહી ભરનારા વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરશે. છેલ્લા 4 વર્ષમાં પોલીસે 24 કરોડ રુપિયા દંડ વસુલ કર્યો છે.

ટ્રાફિક નિયમોનુ પાલન નહી કરીને શહેરના એક કાર ચાલકે 111 વાર ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે. છતાં તેણે એક પણ ચલણનો દંડ ભર્યો નથી. જેના કારણે ટ્રાફિક પોલીસની ટીમે તેની પાસેથી 38 હજાર રૂપિયા દંડ વસુલવાની છે. જો કે નવાઇની વાત તો એ છે કે પોલીસે 111 મેમા હોવા છતાં કેમ કાર ચાલકને પકડ્યો નહી હોય અને કેમ દંડ વસુલ્યો નહી હોય તે બાબતે શંકા-કુશંકા સેવાઇ રહી છે.