નિતીન પટેલને અમે જીતાડ્યા છે આવા ટ્રાફિકના કાયદા ના હોય, છતાં ડ્રામા બાદ 500 દંડ ભર્યો
સચિવાલય પાસે મંગળવારે એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં ‘નો પાર્કિંગ’માં પડેલી કારને લોક કરીને પોલીસે દંડ ફટકારતા કડીના રહીશે હોબાળો કર્યો હતો. ‘આવા કાયદા કોણે બનાવ્યા છે, અમે મત આપી નીતિન પટેલને જીતાડ્યા છે’ કહી કડીના રહીશ રોડ પર જ સૂઈ ગયા હતા. ભારે હોબાળા બાદ પાસે રહેલા ભાઈએ વડીલને સમજાવતાં 500 દંડ ભરી રવાના થયા હતા. નવા સચિવાયલ ગેટ-4 પાસે મંગળવારે સાંજે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ હતી. જેને પગલે ટ્રાફિક પોલીસે રોડ પર નો પાર્કિંગ ઝોનમાં પડેલી એક કારને લોક મારી દીધી હતી. જેના થોડા સમય બાદ બે-ત્રણ લોકો આવ્યા હતા. જેમાંથી એક વડીલે ટ્રાફિક પોલીસ સાથે રકઝક કરી હતી. તેમણે કહ્યું હતું કે સચિવાયલમાં એન્ટ્રી માટે પાસ બનાવવા માટે ગયા હતા અને એટલે અહીં ગાડી મૂકી હતી. મળેલી માહિતી પ્રમાણે વડીલ કડી વિસ્તારના જયંતિ પટેલ હતા. જેઓ ‘આવા કાયદા કોણે બનાવ્યા છે?, અમે નિતીન પટેલને મત આપી જીતાડ્યા છે, દંડ નહીં ભરું’ જેવા શબ્દો બોલીને રોડ પર જ સૂઈ ગયા હતા. લોકો એકઠાં થઈ જતાં વડીલ સાથે રહેલાં અન્ય ભાઈએ તેમને સમજાવતા તેઓ શાંત થયા હતા અને 500 રૂપિયા દંડ ભરીને રવાના થયા હતા.