સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2024 (18:06 IST)

બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન બે બાળકો મૃત્યુ પામ્યા

બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી રવિવારે બે બાળકોના મૃત્યુ થયા હતા. પાલનપુર અને ડીસા વિસ્તારના બાળકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ચાર કેસ આવ્યા હતા. જેમાં બે બાળકોના મૃત્યુ થતાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ લોકોને પોતાના આરોગ્યની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા, પાલનપુર, પાડણ અને કાંકરેજના મળી ચાંદીપુરા વાયરસના ચાર શંકાસ્પદ પર કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જ્યાં રવિવારે બે બાળકોના મૃત્યુ થયા છે. બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડો. જીગ્નેશ હરિયાણી એ જણાવ્યું હતું કે, પાલનપુર આરટીઓ ફાટક વિસ્તારમાં રહેતા પરિવારના 8 વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા.જેને તાવ સાથે ખેંચ આવતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે તેનું મૃત્યુ થયું હતુ.

જ્યારે ડીસા તાલુકાના લુણપુરના 12 વર્ષના બાળકને પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનું પણ રવિવારે મૃત્યુ થયું હતુ. ચાર પૈકી બે બાળકોના મૃત્યુથી સમગ્ર જીલ્લાના પ્રજાજનોમાં ભય પ્રસરી ગયો છે. જેના પગલે રવિવારે રજાના દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાલનપુર શહેરના જુદા જુદા વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમજ લોકોને સ્વચ્છતા રાખવા તેમજ લીંપણ વાળા ઘરોમાં દવાનો છંટકાવ કરવા અને નાના બાળકોને તાવની અસર જણાય તો જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.