શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (12:19 IST)

વડોદરામાં જળસંકટે વધારી લોકોની મુશ્કેલી, શાકભાજી અને દૂધના ભાવ થયા બમણા

વડોદરા: વડોદરામાં ભારે વરસાદના કારણે જનજીવન ખરાબ રીતે અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે અને શહેરના ઘણા વિસ્તોરોમાં પાણી ભરાઇ ગયા છે. વડોદરામાં વરસાદના કારણે સામાન્ય જરૂરીયાતની વસ્તુના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારની સવારે વડોદરામાં ખાવા પીવાની વસ્તુઓ માટે લોકો લાંબી લાઇનોમાં જોવા મળી રહ્યાં છે. અહીના લોકોને અડધુ લીટર દૂધ 40 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. એટલું જ નહીં શાકભાજીના ભાવમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે.
 
એવામાં જ્યાં એક બાજુ લોકો વરસાદના પ્રકોપથી પરેશાન છે તો બીજી તરફ ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જણાવી દઇએ કે, સતત વરસાદના કારણે વડોદરાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને અહીં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
 
એટલું જ નહીં જિલ્લાના ઘણા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીમાંથી નીકળીને મગરો પણ ધસી આવ્યા છે. જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વડોદરામાં ભારે વરસાદના કારણે રેલવે અને હવાઇ મુસાફરીને પણ અસર પડી છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે વડોદરામાં ગુરવારે હવાઇ મુસાફરી પણ બંધ કરવામાં આવી હતી.
 
સતત થઇ રહેલા વરસાદના કારણે વડોદરાના વડસર ગામના કેટલાક ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. ત્યારબાદ NDRFની ટીમ અને માંજલપુર પોલીસે પાણીમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યૂ કરી રાહત શિબિર સુધી પહોંચ્યા હતા. વડોદરાના મંજુસર વિસ્તારમાં સ્થિત GIDCમાં પણ વરસાદના પાણી ભરાઇ ગયા છે. જેના કારણે ત્યાં કેટલાક મજૂરો ફસાઇ ગયા છે. GIDCમાં પાણી ભરાવવાના કારણે સમગ્ર વિસ્તાર બંધ થઇ ગયો છે.