વડોદરામાં સોસાયટીમાં ઘૂસેલા ખતરનાક મગરનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ વીડિયો
શહેરમાં વરસાદ બાદ તાજેતરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયા બાદ હવે રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં મગર ઘૂસવા લાગ્યા છે. ગઈકાલે બે સોસાયટીમાં મગર ઘૂસી ગયો હતો. રેસ્ક્યૂ દરમિયાન મગરે ઊછળી ઊછળીને છટકવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ મગરને પકડી લેવામાં આવ્યો હતો. વનવિભાગની ટીમે બે મગરને પકડીને વિશ્વામિત્રી નદીમાં છોડી દીધા હતાં.
કારેલીબાગ અને વાઘોડિયામાંથી મગરનું રેસ્ક્યૂ કરાયું
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ખટંબા પાસે અક્ષર વિહાર સોસાયટીમાં ગત મોડીરાત્રે મગર ઘૂસી આવ્યો હતો. તે ઉપરાંત કારેલીબાગ વિસ્તારમાં વર્ધમાન સોસાયટીમાં પણ એક 6 ફૂટનો મગર ઘૂસ્યો હતો. સોસાયટીના લોકોમાં મગરને જોઈને ફફડાટ ફેલાયો હતો. ત્યાર બાદ વાઇલ્ડલાઇફ ટીમને રેસ્ક્યૂ માટે બોલાવવામાં આવી હતી. વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કર્યો હતો. આ ટીમે મગરને સહીસલામત વનવિભાગને સોંપ્યો હતો. વન વિભાગે બંને સોસાયટીમાંથી મગર પકડીને વિશ્વામિત્રી નદીમાં છોડી દીધા હતાં.