સંબંધિત સમાચાર
- વડોદરામાં આ શું ચાલી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા VHP નેતાનુ ડોલ્યુ મન, કોંગ્રેસમાં જોડાયા
- વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા
- યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો, મમતા બેનર્જીના સાંસદના ઘર પર બુલડોઝર એક્શનનું સંકટ
- મહેસાણામાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: 28 વર્ષથી કાર્યાલયમાં સેવા આપતા પટાવાળાને આપી ટિકિટ
- ગુજરાતની સિંગર બેલડીનો ચૂંટણી શંખનાદ: મિલિયન્સમાં ફોલોઅર્સ ધરાવતી ગાયિકાઓ હવે લડશે ભાજપની ટિકિટ પર
વડોદરા ભાજપમાં મોટું સર્જિકલ ઓપરેશન: મેયર સહિત 44 કોર્પોરેટરના પત્તા કપાયા
BJP in Vadodara
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં ભારે આક્રમક અભિગમ અપનાવ્યો છે. ખાસ કરીને વડોદરામાં આંતરિક જૂથબંધી અને વિવાદોને ખતમ કરવા માટે પાર્ટીએ 'મોટી સર્જરી' કરતા મેયર પિંકીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત કુલ 44 વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કાપી નાખી છે. ગત ચૂંટણીમાં 76 માંથી 59 બેઠકો જીતનાર ભાજપે આ વખતે માત્ર 15 જૂના ચહેરાઓને જ રિપિટ કર્યા છે, જ્યારે બાકીના તમામ સ્થાને નવા અને યુવા ચહેરાઓને તક આપીને સૌને ચોંકાવી દીધા છે.
જૂથવાદ ખતમ કરવા જૂની પેઢીને ઘરે બેસાડી નવી પેઢી પર દાવ
ભાજપની પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં વડોદરા એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે. કોર્પોરેટરો વચ્ચે ચાલતા આંતરિક ઝઘડા અને ખેંચતાણના અસંખ્ય કિસ્સાઓ બાદ હાઈકમાન્ડે આ કડક નિર્ણય લીધો છે. પાર્ટીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જે લોકો કામ કરશે તેને જ આગળ વધવાની તક મળશે. શ્રીરંગ આયરે અને સ્મિત અદરેણા જેવા માત્ર 15 કોર્પોરેટરને એટલા માટે જળવી રાખવામાં આવ્યા છે કે જેથી કોર્પોરેશનની ટીમમાં થોડો અનુભવ જળવાઈ રહે, બાકીના અગ્રણી નેતાઓને સ્થાને નવા લોહીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ભૂતપૂર્વ મંત્રીના પુત્રની એન્ટ્રી અને સંગઠનમાં મોટા ફેરફાર
વડોદરાના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય અને પીએમ મોદી જ્યારે સીએમ હતા ત્યારે મંત્રી રહી ચૂકેલા જિતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાને વોર્ડ 17 માંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, લોકસભા ચૂંટણી બાદ જે રીતે સીયુજીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. જયપ્રકાશ સોનીને શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, તે જ દિશામાં ભાજપ હવે વડોદરામાં નવા રાજકીય પ્રયોગો કરી રહ્યું છે. સંગઠનમાં શિક્ષિત અને વફાદાર કાર્યકરોને આગળ લાવીને ભાજપ એક મજબૂત માળખું ઊભું કરી રહ્યું છે.
BJP in Vadodara
26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે જાહેર થશે પરિણામ
ગુજરાતની વડોદરા સહિત 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને કુલ 393 સ્થાનિક સંસ્થાઓ માટે ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. આગામી 26 એપ્રિલે આ બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી સાથે જ વિજેતા ઉમેદવારોના નામ જાહેર થશે. ભાજપે જે રીતે ઉમેદવારોની પસંદગીમાં મોટો ઉલટફેર કર્યો છે, તેનાથી હવે વિરોધી પક્ષોની રણનીતિ પર પણ મોટી અસર પડશે અને ચૂંટણી જંગ વધુ રોમાંચક બનશે.
