1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (13:32 IST)

વેક્સિન લીધા બાદ ગઇકાલે એકનું મોત થયા બાદ આજે વડોદરામાં 15 પોલીસ તાલીમાર્થીને આડઅસર થતાં દોડધામ

વડોદરામાં રવિવારે કોરોના વેક્સિન મૂકાયા બાદ એક સફાઇ કર્મચારીના મોત બાદ આજે સવારે વડોદરા પોલીસ તાલીમ શાળાના 15 પોલીસ તાલીમાર્થીને કોરોના વેક્સિનની આડઅસર થઈ હતી. જેથી તમામ પોલીસ તાલીમાર્થીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કોરોના વેક્સિન લીધા બાદ સફાઇ કર્મચારીના મોત બાદ આજે પોલીસ તાલીમાર્થીઓને વેક્સિનની અસર થતાં કોરોના વોરિયર્સમાં વેક્સિન લેવામાં ગભરાટ ફેલાઇ ગયો છે. વડોદરા શહેરમાં કોરોના વેક્સિન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રવિવારે પોલીસ કર્મચારીઓ અને સફાઇ કામદારોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોરોના રસીને કારણે રવિવારે એક સફાઇ કામદારનું મોત નીપજ્યું હતું. જેમાં વહીવટી તંત્રએ આ કર્મચારીને હ્રદય રોગની બીમારી અને શ્વાસની તકલીફ હોવાનું ખુલાસો કર્યો હતો. તો બીજી બાજુ આજે સવારે પોલીસ તાલીમ શાળાના 15 પોલીસ તાલીમાર્થીને પણ કોરોના વેક્સિનની સામાન્ય અસર થઇ હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપી હતી. જેમાં ત્રણ તાલીમાર્થીને વધુ અસર હોવાથી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.વડોદરાની સયાજી હોસ્પિટલના નોડેલ ઓફિસર ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, કોરોના રસી મૂકવાને કારણે સામાન્ય તાવ, પેટમાં દુખાવો કે શરીર દુખવું જેવી અસર થતી હોય છે. તેનાથી ગભરાઈ જવાની જરૂર નથી. તાવ કે પેટમાં દુખાવો થાય તે કોરોના રસી તમારા શરીર પર સફળતાથી અસર કરી રહી છે તે સાબિત કરે છે. કોરોના વેક્સિનની સામાન્ય આડઅસર થઈ છે જેમાં 10 મહિલા પોલીસ તાલીમાર્થી છે. વેક્સિન માટે બાકી રહેલા પોલીસ જવાનો પણ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં આવી પહોચતા હોસ્પિટલની વ્યવસ્થા ખોરવાઇ ગઈ હતી. પોલીસ જવાનોની લાંબી કતારો લાગી હતી.વડોદરા શહેર અને જિલ્લામાં ગત 16 જાન્યુઆરીએ વેક્સિન આપવાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે તબીબો, સ્ટાફ નર્સ અને ત્યારબાદ હવે સરકારી કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. રવિવારે શહેરનાં 35 સેન્ટરો પર 7000 લોકોને રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં 2772 લોકોને રસી મુકાઇ હતી. વોર્ડ નંબર 9ના 139 સફાઈ કર્મચારી અને પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હતી. જોકે આ પૈકીના એક સફાઈ કર્મચારી જિજ્ઞેશ સોલંકીએ રસી લીધા બાદ તેની તબિયત લથડી હતી. વેક્સીન લીધાના 2 કલાક બાદ બેચેની થવાની સાથે ચક્કર આવ્યા બાદ જિજ્ઞેશ બેભાન થયો હતો અને મોતને ભેટ્યો હતો. વેક્સિન લીધા બાદ તેનું મોત નીપજ્યું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યાં હતા.