મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (11:37 IST)

વડોદરામાં વરસાદી પાણી ઓસરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો, વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી

વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી પૂરની પરિસ્થિતનું નિર્માણ થયું હતું. જોકે મોડી રાત બાદ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી. આજે સવારે 9 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 33 ફૂટ નોંધાઇ હતી. વડોદરા શહેરમાં પાણી ઉતરવા લાગ્યા છે. 
જોકે નીચાણવાળા અને કાંઠાના વિસ્તારમાં પાણી હજુ સુધી ઉતર્યાં નથી અને લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. વડોદરા શહેરના સ્ટેશન વિસ્તાર છેલ્લા બે દિવસથી પાણી પાણી થઇ ગયો હતો. જોકે આજે સ્ટેશન વિસ્તારમાં પાણી ઉતરવાનું શરૂ થઇ ગયું છે. 
આ ઉપરાંત રાવપુરા, કાલાઘોડા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે. આજે સાંજ સુધીમાં પૂરની સ્થિતિ દૂર થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકે વરસાદની આગાહીને પગલે વડોદરાવાસીઓમાં ચિંતા જરૂર જોવા મળી રહી છે. 
વડોદરા રેલવે સ્ટેશન અને બસ ડેપોમાં ફસાયેલા લોકોને આજે પણ આર્મીની ટીમ દ્વારા બહાર કાઢવાની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. સ્ટેશન વિસ્તારમાંથી લોકોને કાલાઘોડા સુધી આર્મીની ટીમ મૂકી ગઇ હતી.