મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (10:07 IST)

ગુલાબી ઠંડીનો ચમકારો

રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાવાથી ઠંડી વધી, ગાંધીનગર અને નલિયામાં તાપમાનનો પારો 17 ડિગ્રી થતાં લોકો ધ્રુજ્યાં
અમદાવાદમાં 21.3 ડિગ્રી તાપમાન સાથે ગુલાબી ઠંડીનો ચમકારો 
આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડી વધશે
 
 
ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમા તો શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીનું આગમન પણ થઈ ગયું છે. ગાંધીનગર શહેરમાં બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો ગગડતાં લોકો ધ્રૂજી ઊઠયાં છે. પાટનગરમાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાય હતુ જ્યારે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું. આમ ગાંધીનગરમાં દિવસના તાપમાનની સરખાણીએ રાત્રીનું તાપમાન 50 ટકા સુધી ગગડયું હતુ. 
 
આગામી ત્રણેક દિવસમાં ઠંડીમાં વધારો થશે
હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારમાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન વચ્ચે 4.3 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. ગાંધીનગર અને નલિયા સિવાય રાજ્યના તમામ શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. 
 
રાજ્યમાં મોટાભાગના શહેરોનું તાપમાન 33થી 24 ડિગ્રી આસપાસ રહ્યું
સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં અને ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં સરેરાશ તાપમાન નોંધાતું હોય છે તેના કરતાં આ તાપમાન 1થી 2 ડિગ્રી જેટલું વધુ નોંધાઈ રહ્યું છે. નલીયામાં ગઈ કાલે લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ભુજનુ 20.8 ડિગ્રી, મહુવાનું 20.7 ડિગ્રી અને કેશોદનું 20.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 33થી 24 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
 
હાલમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના પવન શરૂ થયાં
હાલમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે..ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે. 
 
ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી દોઢ ડિગ્રી વધી
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફૂંકાયેલા ઉત્તર-પૂર્વિય પવનના કારણે મંગળવારે દિવસ અને રાતના તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ઠંડીનું જોર વધ્યું હતું. કલાકે 4 કિમી ઝડપે ફૂંકાયેલા ઉત્તર-પૂર્વિય પવનના કારણે ભેજનું પ્રમાણ સાતેક ટકા ઘટ્યું હતું. જેના કારણે રાત્રીના તાપમાનમાં દોઢેક ડિગ્રીના ઘટાડા સાથે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 21 થી 21.4 ડિગ્રી, જ્યારે ગરમીનો પારો 1 ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં 33 થી 33.6 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાયું હતું. દિવસ અને રાતના તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું હતું.