મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (09:45 IST)

અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન ગાંધીનગરના મહાત્મા મંદિરથી શરૂ થશે

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અમદાવાદ - દિલ્હી વચ્ચે 886 કિલોમીટર લાંબા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવા માટે ડીપીઆર (ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડીપીઆરના ભાગરૂપે તાજેતરમાં NHSRCL દ્વારા ગાંધીનગરના 16 જેટલા ગામોમાં સર્વે હાથ ધરાયો હતો. આ રૂટ પર ગાંધીનગર મહાત્મા મંદિરને પણ આવરી લેવામાં આવશે. આ ટ્રેન સાબરમતીથી ખોડિયાર, મહાત્મા મંદિર, પેથાપુર હાઈવે થઈ અલુવા ગામ બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી પ્રાંતિજ થઈ હિંતનગરથી ડુંગરપુર તરફ આગળ વધશે. NHSRCL દ્વારા ચાર રાજ્યો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઈ દિલ્હી સુધી જનાર આ રૂટ પર 15 સ્ટેશન તૈયાર કરવામાં આવશે. મહત્તમ 350 કિલોમીટર તેમજ એવરેજ 250 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેનનું સંચાલન થતા અમદાવાદથી દિલ્હી વચ્ચેનું અંતર 4 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી દેવાશે. NHSRCL દ્વારા અમદાવાદ - મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ - દિલ્હી રૂટ માટે થોડા સમય પહેલા સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ ડીપીઆર સબમિટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ડીપીઆરને સરકારની મંજૂરી મળ્યા બાદ એનએચએસઆરસીએલ દ્વારા 2022માં જમીન સંપાદનની કામગીરી શરૂ કરવાની સાથે પ્રોજેક્ટ માટે કંસ્ટ્રક્શન કામગીરી શરૂ કરવામાં આવશે. આ રૂટ મોટાભાગે રેલવે લાઈન અને નેશનલ હાઈવેની બાજુમાંથી પસાર થતો હોવાથી જમીન સંપાદનની કામગીરી ઝડપી પૂર્ણ થશે. જેના પગલે અમદાવાદ દિલ્હી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાથે જ પૂર્ણ થાય તેવી શક્યતા છે. અમદાવાદ - દિલ્હી બુલેટ ટ્રેન રૂટ પર ગુજરાતમાં 3, રાજસ્થાનમાં 9, હરિયાણામાં 2 અને દિલ્હીમાં 1 મળી કુલ 15 સ્ટેશન બનશે. જેના કારણે આ રૂટનો સૌથી વધુ લાભ રાજસ્થાનને મળશે. આ રૂટ પર અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, હિમ્મતનગર, ડુંગરપુર, ઉદયપુર, શાહપુરા, ચિત્તૌડગઢ, ભીલવાડા, વિજયનગર, અજમેર, જયપુર, બેહરોરા, રેવાડી, માનેસર અને દ્વારકા (દિલ્હી) ખાતે સ્ટેશન તૈયાર કરાશે. હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ અમદાવાદથી મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર 3 કલાકમાં પૂર્ણ કરાશે. એજ રીતે અમદાવાદથી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 886 કિલોમીટરનું અંતર 4 કલાકમાં પૂર્ણ થશે. આમ દિલ્હીથી અમદાવાદ થઈ મુંબઈ સુધીની બુલેટ ટ્રેનની કનેક્ટિવીટી થતા દિલ્હી અને મુંબઈ વચ્ચેનું લગભગ 1394 કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેનથી 6થી 7 કલાકમાં પૂર્ણ થશે.