શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (08:56 IST)

Salangpur Dispute: સ્વામીનારાયણ સંતોની બેઠક પૂર્ણ, શું નિર્ણય લેવાયો?

sarangpur gujarat tourism
Salangpur Dispute - સ્વામીનારાયણ વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલાં શિલ્પચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે.
 
ગઈ કાલે વધુ એક વિવાદિત ઘટના બની હતી જેમાં એક વ્યક્તિએ મંદિરમાં ઘૂસીને શિલ્પચિત્રોને તોડવાની અને તેના પર કાળો રંગ લગાવવાની કોશિશ કરી હતી.
 
વળી બીજી બાજુ શિલ્પચિત્રોના લીધે સર્જાયેલા વિવાદ પર અલગ-અલગ સાધુસંતોનાં નિવેદનોથી મામલો વધુ ગરમાતો જાય છે.
 
બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા અનુસાર આ મામલે અમદાવાદ સહિત અનેક જગ્યાએ સાધુસંતોની બેઠક મળી રહી છે અને સંમેલનો થઈ રહ્યા છે. જ્યારે સાળંગપુર હનુમાન મંદિરની આસપાસ અનેક લોકો એકઠા થયા હોવાને કારણે ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
 
તો બરવાળા લક્ષ્મણ મંદિર સહિત અન્ય મંદિરના સાધુસંતો સાળંગપુર પહોંચ્યા. મંદિરમાં સ્વામીનારાયણ સંતો સાથે બેઠક થઈ હતી.
 
સચીન પીઠવાના જણાવ્યા અનુસાર, આજે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક ત્રણ કલાકથી વધુ લાંબી ચાલી હતી.
 
બેઠકમાં સાળંગપુરનાં ભીંતચિત્રો હટાવવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોઠારી પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપ્યા વિના જ નિવેદન આપીને ઊભા થઈ ગયા હતા.
 
નોંધનીય છે કે સનાતન ધર્મના સાધુસંતો અને લોકોમાં રોષ વધતા તેમજ સવારે કેટલાક મહંતો સાથે સ્વામીનારાયણ મંદિરના કોઠારીએ કરેલી બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક રાખવામાં આવી હતી. જેમાં મંદિરના કોઠારીએ બે દિવસમાં ચિત્રો અંગે સમાધાન લાવવાનું આશ્વાસન મહંતોને આપ્યું હતું.
 
સ્વામિનારાયણ સંપ્રદાયની મિટિંગ પહેલા સાળંગપુર મંદિરના હરિ ક્રિષ્ના ભવન ખાતે યોજાવવાની હતી પરંતુ સાંજે અચાનક જ સ્થળ પરિવર્તન કરી તેને ગૌશાળામાં યોજવામાં આવી હતી. ગૌશાળાના તમામ રસ્તાઓ ઉપર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા.
 
સાળંગપુર મંદિરે કેવી છે પરિસ્થતિ?
 
ગઈ કાલે હર્ષદ ગઢવી નામની એક વ્યક્તિએ આ શિલ્પચિત્રો પર કાળો રંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
 
ત્યારબાદ ત્યાં સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
 
બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર આજે સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે હનુમાનજીનાં દર્શન કરવા આવેલા લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
 
દરવાજા બહાર એકઠા થયેલા લોકોએ કહ્યું હતું કે વિવાદ જે પણ હોય તેમને હનુમાનજીનાં દર્શન કરવા જવા દેવામાં આવે.
 
આ સિવાય આજે મોટી સંખ્યામાં સાધુસંતો અને ભક્તો રેલી સ્વરૂપે સાળંગપુર પહોંચ્યા છે. બીબીસીના સહયોગી પત્રકાર સચીન પીઠવાએ જણાવ્યા અનુસાર સ્વામીનારાયણના સંતો સાથે સાધુસંતોના પ્રતિનિધિઓની બંધબારણે બેઠક થઈ હતી.
 
બેઠક પછી જગદેવદાસબાપુ મહામંડલેશ્વર 1008એ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "દસ લોકોનું પ્રતિનિધિમંડળ સ્વામીનારાયણના સંતોને મળ્યું હતું જેમાં સંતોના જણાવ્યા અનુસાર સ્વામીનારાયણના કોઠારી સ્વામીએ બે દિવસનો સમય માગ્યો છે અને વાતચીત સકારાત્મક રહી છે."
 
આ સાથે જ તેમણે આરોપી હર્ષદ ગઢવીને છોડી મૂકવાની માગણી કરી હતી.
 
જોકે, અત્યાર સુધી સ્વામીનારાયણના સંતો તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
 
કોની સામે નોંધાઈ ફરિયાદ?
 
સાળંગપુર મંદિરમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ભુપતભાઈ ખાચરે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
 
‘કિંગ ઑફ સાળંગપુર’ મૂર્તિ નીચે બનેલાં શિલ્પચિત્રો પર કાળી શાહી લગાડી તેને નુકસાન પહોંચાડવું, તેને રોકનાર લોકોને મારી નાખવાની ધમકી આપવી, ધાર્મિક જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવું વગેરે આરોપો હેઠળ હર્ષદ ગઢવી અને અન્ય બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
 
પોલીસે કલમ 295-એ, 153-એ, 120-બી, 427 અને 506(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે.
 
રાજ્યસભાના સાંસદે શું કહ્યું?
 
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સાળંગપુર વિવાદ મુદ્દે કહ્યું હતું કે,"તમે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછી શકો છો."
 
પરંતુ તેમનો અંગત મત પૂછતા તેમણે જણાવ્યું હતું કે, “હું મારૂતિ કુરિયરનો માલિક છું અને મારૂતિનંદનનો ભક્ત છું. તેમનું સન્માન જાળવવું જોઇએ અને આ ચિત્રો હઠાવી લેવા જોઈએ. સનાતન ધર્મમાં વિવાદ થાય અને અન્ય લોકો રાજી થાય એવું ન કરવું જોઇએ.”
 
“જેમનું જે સ્વરૂપ હોય તે જળવાવું જોઇએ. ઉદાહરણ તરીકે હું પૂજારી છું અને હું ભગવાન બની જાઉં તો એવું ન ચાલે. લોકોએ આવા વિવાદથી દૂર રહેવું જોઇએ. તેનાથી હિંદુ ધર્મંને નુકસાન થાય છે.”
 
શું છે સમગ્ર વિવાદ?
 
સાળંગપુરમાં બનેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે
 
હનુમાન જયંતીના દિવસે એપ્રિલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુર મંદિરમાં આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
 
આ ઊંચી પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મની ફરતે હનુમાનનાં શિલ્પચિત્રો મૂકવામાં આવ્યાં છે.
 
સાળંગપુરનું આ હનુમાન મંદિરનું સંચાલન સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ શાખા કરે છે.
 
મંદિરના વહીવટદારોનું કહેવું છે કે આ શિલ્પચિત્રો વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરે છે.
 
હવે, આ શિલ્પચિત્રો પૈકી એકમાં સહજાનંદ સ્વામીના એટલે કે સ્વામીનારાયણના પગમાં હનુમાનજી હાથ જોડીને બેઠા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે.
 
એક શિલ્પચિત્રમાં હનુમાનજીને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે.
 
આ મુદ્દે કેટલાક સાધુ-સંતો રોષે ભરાયા છે. તેમના મતે ‘આ પ્રકારનાં ચિત્રો સનાતન ધર્મનું અપમાન છે.’
 
કથાકાર મોરારિબાપુએ પણ આ શિલ્પચિત્રોમાં હનુમાનના ચિત્રાંકન મામલે નારાજગી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આ હીન ધર્મ છે." ત્યારપછી આ મામલાની વ્યાપક ચર્ચા ચાલુ થઈ હતી.
 
વિવાદ કેમ વધ્યો?
 
શિલ્પચિત્રોને લઈને શરૂ થયેલા વિવાદ મુદ્દે વડતાલના નૌતમ સ્વામીએ આપેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. આ નિવેદનને કારણે જ વિવાદ વધ્યો હોવાનું મનાય છે.
 
શિલ્પચિત્રો સામે વિરોધ કરનારા સંતોને નૌતમ સ્વામીએ એક સભામાં જણાવ્યું હતું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને શ્રી હનુમાનજી મહારાજે પણ સ્વામીનારાયણ ભગવાનની સેવા કરી છે. આ વાતથી સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ભરેલો પડ્યો છે. જો કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ પર વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં તેનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિને કોઈ જરૂર નથી."
 
નૌતમ સ્વામીએ પુરાણોનો હવાલો આપીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો જવાબ આપવા તૈયાર હોવાની વાત કરી હતી.
 
તેમણે ઉમેર્યું હતું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને તે વેદ વ્યાસજીએ કહ્યા મુજબ સ્કંધ પુરાણ વગેરેમાં તેનો ઉલ્લેખ છે અને જેને જ્યારે જે જગ્યાએ જોઈએ ત્યારે સંપ્રદાયના વિદ્વાનો જવાબ આપવા તૈયાર છે. સત્સંગીઓએ અન્યોની વાતો સાંભળીને હતોત્સાહ ન થવું."