1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શનિવાર, 2 સપ્ટેમ્બર 2023 (18:32 IST)

અમદાવાદમાં બે દિવસમાં હત્યાના બે બનાવોઃ માધવપુરા બાદ કૃષ્ણનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી આધેડની હત્યા

crime scene
એકલવાયુ જીવન જીવતા આધેડને મારી હત્યારો ઘરને તાળુ મારીને ફરાર થઈ ગયો
પોલીસે સીસીટીવી અને શંકાસ્પદ લોકોની અવર-જવરને લઈને તપાસ શરૂ કરી
 
 શહેરમાં હત્યાના બનાવોમાં વધારો થયો છે. જુની અદાવતને ધ્યાને લઈને હત્યા કરી દેવાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. શહેરમાં ગઈ કાલે એક મિત્રએ તેના પિતાને લાફો માર્યો હોવાની અદાવત રાખીને મિત્રના જ માથામાં ત્રિકમના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આધેડને ઘરમાં જ મારી નાંખીને ઘરને તાળુ મારીને ફરાર થઈ ગયો હોવાની ઘટના બની છે. કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. 
 
આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દેવાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં શ્રીજી પાર્ક સોસાયટીમાં 55 વર્ષના આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આ સોસાયટીમાં રહેતા મહેશ શાહનો ફોન બંધ આવતો હોવાથી તેમના બેન અને બનેવી તેમના ઘરે પહોંચ્યા હતા. પરંતુ ઘરમાં તાળું લગાવેલું હોવાથી તેમને પાડોશી પાસે તાળાની ચાવી માંગી હતી.પરંતુ પાડોશીએ ઘરમાં લગાવેલું તાળું જોયું તો ખબર પડી હતી કે ઘરની જાળીએ નવું તાળું લગાવેલું છે. જેથી મહેશભાઈના બનેવીએ જાળીની અંદરના દરવાજાને ધક્કો મારીને ખોલ્યો તો મહેશ ભાઈનો લોહીમાં લથપથ મૃતદેહ મળી આવ્યો હતો.
 
નરોડાની રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા હતા
આ જોઈને તેમના બહેન અને બનેવી સહિત પાડોશીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં અને  પોલીસને જાણ કરતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક મહેશ શાહ છેલ્લા 15 વર્ષથી શ્રીજી પાર્ક સોસાયટીમા રહે છે. નરોડાની  રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા હતા. મૃતકના આધ્રપ્રદેશમા લગ્ન થયા હતા. પરંતુ છેલ્લા 10 વર્ષથી તેમના પત્નિ તેમની સાથે રહેતા નથી અને માતા પિતા કોરોનામાં મૃત્યુ પામેલ છે. જેથી તેઓ એકલવાયું જીવન જીવતા હતાં. 
 
મૃતક મહેશ શાહના ઘરમાંથી કોઈ ચોરી કે લૂંટ થઈ નથી
પોલીસ દ્વારા પાડોશીઓની પુછપરછમા જાણવા મળ્યું હતું કે, મહેશભાઈ ઘરે હતા ત્યારે  કોઈક પુરુષ સાથે વાતો કરતા હતા તેવો અવાજ આવ્યો હતો.  કુષ્ણનગર પોલીસે આ હત્યા અંગત અદાવતમા થઈ હોવાની શંકા વ્યકત કરી છે અને સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ આરોપીની પુછપરછ શરૂ કરી છે. મૃતક મહેશ શાહના ઘરમાંથી કોઈ ચોરી કે લૂંટ થઈ નહિ હોવાથી કોઈ પરિચિત દ્રારા અદાવતામા હત્યા કરવામા આવી હોવાની દિશામા પોલીસે તપાસ શરૂ કરી છે. મહેશભાઈના સોશિયલ મિડીયા પર કેટલાક શંકાસ્પદ મિત્રો અને સીસીટીવી ફુટેજમા શંકાસ્પદ લોકોની અવર-જવરને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.