ગુજરાતના દરિયાકાંઠા પાસેથી 385 કરોડના 77 કિલો હેરોઇન સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે.
ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર એટીએસના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજિયાને આ બોટ ડિલિવરી માટે આવી રહી છે, એવી બાતમી મળી હતી.
તેમને જાણવા મળ્યું હતું કે ડ્રગમાફિયા હાજી હસન દ્વારા કરાચી પૉર્ટ પરથી હેરોઇનના જથ્થા સાથે અલ હુસૈની નામની એક બોટ મોકલવામાં આવી છે.
સાથે જ તેમને ખબર પડી હતી કે ગુજરાતના જખૌથી 35 નોટિકલ માઇલ દૂર મધદરિયે હેરોઇનની ડિલિવરી થવાની છે.
આ ડિલિવરી તેઓ પંજાબનાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલ લોકોને કરવાના હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
આ ડિલિવરી મોડી રાતે થવાની હોવાથી એટીએસની ટીમ તાત્કાલિક જખૌ પહોંચી ગઈ હતી અને કોસ્ટ ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને એક વિશેષ ટીમ બનાવી હતી.
આ ટીમ દ્વારા બાતમી પ્રમાણેની જગ્યાની આસપાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન મોડી રાત્રે એક શંકાસ્પદ બોટ મળી આવી હતી.
બોટની તપાસ કરતાં તેનું નામ બાતમી પ્રમાણેનું જ હતું, તેની તપાસ કરતાં તેમાં કુલ છ લોકો મળી આવ્યા હતા.
બોટની ઝીણવટભરી તપાસ કરાતા અંદરથી 77 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.
આ લોકોની પૂછપરછ કરાતાં જાણવા મળ્યું હતું કે તેઓ હરિ-1 અને હરિ-2 કોડવર્ડથી ડ્રગ્સનો જથ્થો ડિલિવર કરવાના હતા.
ગુજરાત ટ્રાન્ઝિટ રૂટ
અગાઉ ગુજરાતના સલાયા, ઓખા, અને માંડવી જેવાં સૌરાષ્ટ્રનાં બંદરો પર સોનું, ઘડિયાળો કે ઇલેક્ટ્રૉનિક સામાન દાણચોરીથી લાવવામાં આવતો હતો. જેને 'ઢો' તરીકે ઓળખાતા નાના દેશી જહાજમાં લાવવામાં આવતો હતો.
વર્ષ 1993માં પોરબંદરના ગોસાબારા બંદર ખાતે આરડીએક્સ તથા હથિયારોની ખેપ ઊતરી હતી, જેનો ઉપયોગ તત્કાલીન બૉમ્બેમાં વિસ્ફોટો કરવા માટે થયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ રૂટ તરીકે કરવામાં આવે છે.
અગાઉ કચ્છ, પંજાબ અને રાજસ્થાનની સરહદો ઉપર સુરંગ કે પાઇપવાટે નશાકારક પદાર્થો દેશમાં ઘૂસાડવામાં આવતા હતા.
તાજેતરનાં વર્ષોમાં ગુજરાતના દરિયાકિનારાના માર્ગે ભારતમાં મોટાપાયે નશાકારક પદાર્થો ઘૂસાડવાના પ્રયાસ સામે આવ્યા છે.
2018માં દરિયાઈ માર્ગે 500 કિલોગ્રામ હેરોઇન ભારતમાં ઠાલવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેના તાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા સાથે પણ જોડાયેલા હતા.
આ ડ્રગ્સની ખેપને કારમાર્ગે કચ્છમાંથી ઊંઝા મોકલવામાં આવી હતી, જ્યાંથી જીરું ભરેલી ટ્રકમાં લાકડાંની આડમાં છૂપાવીને ડ્રગ્સને પંજાબ મોકલવામાં આવ્યું હતું.