સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 જાન્યુઆરી 2021 (15:24 IST)

અમદાવાદની 4 સ્કૂલોએ વોટ્સએપનો ઉપયોગ બંધ કર્યો, 243 વોટ્સએપ ગ્રૂપ્સ બંધ કર્યા

આંતરિક મેસેજ માટે વોટ્સએપ પર આધાર રાખતી સ્કૂલો હવે નવી પ્રાઈવસી પોલિસીને લઈ વોટ્સએપ છોડવા લાગી છે. અમદાવાદની ઉદગમ સ્કૂલ સાથે સંકળાયેલી ચાર સ્કૂલોએ વોટ્સએપને બદલે કાયઝાલાનો ઉપયોગ શરૂ કર્યો છે. યુઝર્સ ડેટાની સલામતી અને ગોપનીયતાથી ચિંતિત બનેલી ઉદગમ કન્સલ્ટન્સી સાથે સંકળાયેલી અમદાવાદની ચાર સ્કૂલોએ વોટ્સએપ પ્લેટફોર્મને તિલાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એમ કુલ 4 સ્કૂલે વોટ્સએપની તુલનાએ વધુ ઝડપી અને સુરક્ષિત એવી માઇક્રોસોફ્ટ કાયઝાલા મેસેજિંગ એપનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. 
 
વોટ્સએપનો વપરાશ બંધ કરવાના નિર્ણય અંગેની માહિતી આપતા ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું કે, અમારા તાબા હેઠળની ચાર સ્કૂલમાં કુલ અલગ અલગ 243 વોટ્સએપ ગ્રૂપ્સ છે. જેનો આશરે 13,700થી વધુ વાલીઓ ઉપયોગ કરે છે. વોટ્સએપે તેની નવી પ્રાઈવસી પોલિસીના માપદંડો સ્વીકારવાનું ફરજિયાત કર્યું છે. વોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુક વિરુદ્ધ પ્રાઈવસી મામલે વિશ્વભરમાં ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે, તેવા સમયે વોટ્સએપના ગ્રાહકોમાં તેની પરનો વિશ્વાસ ઉઠી ગયો છે. અમારા માટે અમારા સ્ટાફ અને વાલીઓની ડેટા પ્રાઈવસી અને સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી અમે વોટ્સએપને તિલાંજલિ આપી માઇક્રોસોફ્ટ કાયઝાલામાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો છે. કાયઝાલા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાહેરાત પર આધાર રાખતી નથી. તે ડેટાની ગોપનીયતા અને સલામતીની જાળવણી કરવા માટે પ્રતિબદ્ધ છે. 
 
ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના શિક્ષકો સ્ટાફ, સ્ટાફ મેમ્બર્સ અને વાલીઓને સ્કૂલના સત્તાવાર મેસેજિસ માટે વોટ્સએપનો ઉપયોગ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમને તેમના ડેટાનો બેકઅપ લેવા અને IOS અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર મફતમાં ઉપલબ્ધ માઇક્રોસોફ્ટ કાયઝાલા એપ ઈન્સ્ટોલ કરવા જણાવ્યું છે. યુઝર્સને તમામ પ્રક્રિયામાં મદદ કરવા માટે એક્સપર્ટની ટીમ બનાવવામાં આવી છે. આ એપના ફીચર્સ અંગે માહિતી આપતા માઇક્રોસોફ્ટ ઈન્ડિયાના એજ્યુકેશન એડવોક્સી વિભાગના ડિરેક્ટર ડૉ.વિન્ની જૌહરીએ જણાવ્યું કે, કાયઝાલા ફોન નંબર આધારિત એપ છે. જે વ્યક્તિગત કે ગ્રૂપ કોઈપણ પ્રકારની ચેટને એન્ડ ટૂ એન એન્ક્રિપ્શન પુરૂં પાડે છે. તે ચેટિંગ, ફોટો શેરિંગ અને ડોક્યુમેન્ટ શેરિંગ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તે ખાસ કરીને મોટી કંપનીઓ-સંસ્થાઓને ધ્યાનમાં રાખીને વિકસાવામાં આવી છે. જેથી તેઓ સલામત રીતે પોતાના કર્મચારીઓ ઉપરાંત વેન્ડર્સ, ગ્રાહકો વગેરે સાથે સલામત મેસેજિંગ કરી શકે. 
 
કાયઝાલામાં ગ્રૂપમાં સભ્યોની સંખ્યા અંગે કોઈ મર્યાદા નથી. આ ઉપરાંત તે ગ્લોબલ પબ્લિક ગ્રૂપ્સની રચના કરવા લોકોને પોતાના ગમતા વિષયો અને શોખ પૂર્ણ કરવામાં મદદ કરે છે. મનન ચોક્સીએ આગળ કહ્યું કે,ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ઓનલાઈન શિક્ષણ માટે માઇક્રોસોફ્ટ ટીમનો ઉપયોગ કરી રહ્યા છે અને પ્લેગ્રૂપથી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે લાઈવ ક્લાસ સફળતા પૂર્વક ચલાવી રહ્યા છે. 7400થી વધુ બાળકોની સંખ્યા પૈકીના દરેક બાળકને મફતમાં એમસ ઓફિસ અને 50 જીબી એક્સચેન્જ મેઈલબોક્સની સુવિધા મળે છે. કાયઝાલામાં શિફ્ટ થવાથી વિદ્યાર્થીઓને પણ મદદ મળશે, કારણ કે તેઓ પોતાના ડેસ્કટોપ કે લેપટોપ પર સ્કૂલની નોટિસ જોઈ શકશે અને વાલીઓએ તેમના બાળક માટે અલગ ફોન ખરીદવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત તેનાથી વાલીઓ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પ્રાઈવસી અને ડેટા સુરક્ષિત રહેશે.