બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2023 (08:32 IST)

Gujarat Rain - ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે, કયા જિલ્લામાં પડશે વધુ વરસાદ?

Gujarat rain
Rain Update ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
 
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધારીનો ખોડિયાર ડૅમ ફરી છલકાયો છે. ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ખોડિયાર ડૅમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે.
 
ખોડિયાર ડૅમના દરવાજા ખોલતા કાંઠા વિસ્તારના નીચાણવાળા ભાગમાં પાંચ તાલુકાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય નદીના પટ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે ઍલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે.
 
રાજ્યમાં ભારે વરસાદને લઈ વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે.
 
આ દરમિયાન રાજ્યમાં વરસાદના કારણે એસટી બસના રૂટને પણ અસર થઈ છે. રાજ્યમાં કુલ 32 રૂટ રદ કરવામાં આવ્યા છે. એસટી બસના 32 રૂટની 104 ટ્રિપ વરસાદના કારણે બંધ છે.
 
બીબીસી ગુજરાતીના સહયોગી ફારૂક કાદરીએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે 23 ગામોમા વીજ-પુરવઠાને અસર થઈ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના 10 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
 
 ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?
 
હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું છે કે, 6 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.
 
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 જુલાઈથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે.
 
જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.
 
જોકે, આગામી ત્રણ દિવસોમાં સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉપરાંત આઠ જુલાઈએ મધ્ય ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી કરી છે.
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ત્રીજી જુલાઇ, 2023ના રોજ રાજ્યમાં કુલ મળી 83 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 32 ટકા જેટલો નોંધાયો છે.
 
જેમાં કચ્છ ઝોનમાં સીઝનના કુલ વરસાદનો 87 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 46 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 29 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 26 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 20 ટકા વરસાદ નોંધાયો છે.