રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 30 મે 2023 (11:17 IST)

ગુજરાતમાં આજે 14 જિલ્લામાં મેઘરાજા ધડબટાડી બોલાવશે, 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ નોધાયો

rain in ahmedabad
આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે જેમાં રવી સીઝનના પાકના ભાવ નક્કી કરાશે
 
ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને લઈને માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ
 
 ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજી ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાં માવઠાએ ખેડૂતોને રડાવ્યાં છે. વરસાદના કારણે ખેતી પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. સૌરાષ્ટ્રમાં કેરી અને પાટણના હારિજમાં બાજરીના પાકને વ્યાપક નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. જેમાં રવી સીઝનના પાકના ભાવ નક્કી કરવા અને માવઠાને કારણે થયેલા પાકના નુકશાન અંગે ચર્ચાઓ કરવામાં આવશે. આ બેઠકમાં કિસાન સંઘ, કિસાન મોરચાના અધિકારીઓ પણ હાજર રહેશે. 
 
આગામી 24 કલાક વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં પોણા બે ઈંચ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ધોરાજી અને શિહોરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ગારિયાધાર, ગોંડલ અને વલ્લભીપુરમાં 1 ઈંચ અને અન્ય તાલુકાઓમાં અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ આગામી 24 કલાક વરસાદની આગાહી છે.દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયામાં કરન્ટ જોવા મળી શકે છે. તેથી દરિયા કિનારે લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. 
 
14 જિલ્લામાં વરસાદ થવાની શક્યતાઓ
આજે 14 જિલ્લામાં વરસાદ થવાની શક્યતાઓ દર્શાવાઈ છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર ખેડા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, મહીસાગર,પંચમહાલ, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠાના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયાં છે. 
 
વીજળી પડતાં 28 પશુઓના મોત
કચ્છના અંજારમાં રેફરલ હોસ્પિટલની પાછળ આવેલા મકાન ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી. જ્યારે ભારે પવન અને વરસાદના કારણે અંજાર માર્કેટ યાર્ડમાં કચ્છી કેસર કેરીના માલને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કચ્છમાં ભુજના મોડાસર ગામે તોફાની વરસાદ સાથે વીજળી પડતાં 28 પશુઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે રાજકોટના જેતપુરમાં ભારે પવન ફૂંકાતા ઓરડીના પતરાનું રીપેરિંગ કરતાં ચાર શ્રમિકો નીચે પટકાયા હોવાની દુર્ઘટના ઘટી હતી.