શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 મે 2023 (18:33 IST)

Jamnagar જિલ્લા પંચાયત ભવનમાં નાયબ કાર્યપાલક ઇજનરે ફાઇલો મગાવતા 2 હજાર ફાઇલ ગુમ થયાનું સામે આવ્યું

જામનગર જિલ્લા પંચાયત ભવનમાંથી બે માસ અગાઉ મહત્ત્વના દસ્તાવેજોની અધધધ બે હજાર જેટલી ફાઇલોની ચોરી થઈ છે. સમગ્ર ભવન સીસીટીવી ઉપરાંત સિક્યોરિટીથી સુસજજ હોવા છતાં રાત્રિના સમયે ટ્રેક્ટર ભરી અગત્યના દસ્તાવેજો કોઈક ઉપાડી ગયા હતા, જેને લઈ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.

આજથી બે મહિના પહેલાં ટ્રેક્ટરમાં કોઇ શખસ ઇલેક્ટ્રિક વિભાગના રેકોર્ડ રૂમમાંથી સંખ્યાબંધ ફાઈલો ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું છે. જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશો કરાયા છે તેમજ પોલીસ ફરિયાદ નોંધાવવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.જામનગર જિલ્લા પંચાયતમાં ભારે હડકંપ મચાવી દેનારા આ પ્રકરણની વિગતો એવી છે કે જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગ હેઠળના ઈલેક્ટ્રિક વિભાગની રેકાર્ડની ફાઈલ માટે એક અલગ રેકોર્ડ રૂમ આવેલો છે, જેમાં વર્ષોથી તમામ સાહિત્ય અકબંધ રાખવામાં આવ્યું છે. જે રેકોર્ડ રૂમમાંથી કોઈ પ્રકરણમાં નાયબ કાર્યપાલક ઇજનરે તાજેતરમાં કેટલીક ફાઈલો મગાવી હતી, જે દરમિયાન રેકોર્ડ રૂમમાં સંખ્યાબંધ ફાઈલો ગુમ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો.આ મામલે ડી.ડી.ઓ. વિકલ્પ ભારદ્વાજ દ્વારા તપાસનો આદેશ કરાયો છે, સાથો સાથ જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવા પણ સૂચના આપવામાં આવી છે. એને લઈને જિલ્લા પંચાયત વર્તુળમાં ભારે હડકંપ મચી ગયો છે.

જિલ્લા પંચાયતના પટાવાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજથી બે મહિના પહેલાં કેટલાક શખસો રાત્રિના સમયે જિલ્લા પંચાયતની કચેરીમાં આવ્યા હતા અને ઈલેક્ટ્રિક વિભાગના રેકોર્ડ રૂમમાંથી ફાઈલો ઉઠાવી ગયા હતા. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વારે જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ ચાલુ છે અને પોલીસ ફરિયાદ કરવાના પણ આદેશ કરવામાં આવ્યાં છે. અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ તપાસ કરવામાં આવી છે.