1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (11:07 IST)

રાજ્યની છ મહાનગર પાલિકામાં OBC, SC અને ST કેટેગરીમાં જીતેલા ઉમેદવારને મેયર પદ મળવાની શક્યતા

રાજ્યમાં હાલમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારો નક્કી થઈ ગયાં છે. આ વખતે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે. બીજી બાજુ ઉમેદવારો જાહેર થતાં બંને મુખ્ય પક્ષોમાં વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે ગઈ કાલે મોડી રાત્રે ઉમેદવારોને સીધા જ મેન્ડેટ આપ્યાં હતાં. છ મહાનગર પાલિકામાં હવે મેયર કોણ બનશે તેની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. બિન અનામત રહેલા અમદાવાદ કોર્પોરેશનમાં મેયરપદની નવી ટર્મ OBC કે SC કોર્પોરેટર માટે રિર્ઝવ રહેશે તે નક્કી છે. જ્યારે વડોદરામાં ST કેટેગરી અને સૌરાષ્ટ્રના ત્રણ પૈકી એક કોર્પોરેશનમાં SC કેટેગરીના જીતેલા કોર્પોરેટરને મેયરપદ મળશે તેમ કહેવાય છે.
 
6 શહેરોમાં મેયરપદે કોણ આવશે તેને લઈને ચારેકોર ઉત્તેજના
 
અમદાવાદ, સુરત જેવા શહેરોમાં તો સામાન્ય બેઠકો ઉપર ટિકિટની ફાળવણી થઈ છે ત્યારે ચૂંટણી બાદ 6 શહેરોમાં મેયરપદે કોણ આવશે તેને લઈને ચારેકોર ઉત્તેજના છે. મેયરપદના રિર્ઝવેશનના રોટેશન માટે શહેરી વિકાસ વિભાગ- UDD સરકારની ભલામણની રાહ જોઈ રહ્યુ છે. આગામી સપ્તાહે તેનું ગેઝેટ બહાર પડશે. એમ છતાંયે એક દાયકાથી બિન અનામત રહેલા અમદાવાદ કોર્પોરેશનમાં મેયરપદની નવી ટર્મ OBC કે SC કોર્પોરેટર માટે રિર્ઝવ રહેશે તે નક્કી છે. જ્યારે વડોદરામાં ST અને સૌરાષ્ટ્રના ત્રણ પૈકી એક કોર્પોરેશનમાં SC કોર્પોરેટરને મેયરપદ મળશે તેમ કહેવાય છે.

અમદાવાદમાં  હિતેશ બારોટ મેયર બની શકે છે
 
બીજી બાજુ અમદાવાદ શહેરમાં ભાજપ માટે વર્ષોથી કામ કરી રહેલા હિતેશ બારોટને એકાએક સક્રિય રાજકારણમાં સામેલ કરી અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ ફાળવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. પરંતુ ભાજપના ગણિત પ્રમાણે AMCમાં નવું મેયરપદ પુરુષ અનામત હોવાથી હિતેશ બારોટને મેયર પદનો તાજ પહેરાવવા જ ચૂંટણી જંગમાં ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે. હિતેશ બારોટ હાલ ADC(અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક) અને GSC(ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક)ના ડિરેક્ટર છે.
 
રાજકોટમાં ભાજપ શાસનમાં આવે તો ભાનુબેન બાબરિયા મેયર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારની સેન્સ પ્રક્રિયામાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનું નામ ન હતું, પરંતુ ભાજપે 72 ઉમેદવારની યાદી જાહેર કરી તેમાં વોર્ડ નં.1માં ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ મનપામાં ગત મેયરની ટર્મ મહિલા અનામત હતી અને આગામી મેયરની ટર્મ એસસીએસટી અનામત આવે તેવી સંભાવના છે. જેના પગલે ભાજપે અગાઉથી ભાનુબેનના નામની જાહેરાતની તૈયારી કરી છે.