મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 માર્ચ 2022 (11:26 IST)

ગુજરાત સરકાર કચ્છના મુન્દ્રા પોર્ટમાં પકડાયેલા 21,000 કરોડ રૂપિયાના ડ્રગ મામલે ચૂપ કેમ?

ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટ ગુજરાત, હવે ઝુમતું અને ઉડતું ગુજરાત બની ગયું
 
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આણંદ અને કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોનો કેટલો જથ્થો પકડાયો, કેટલા ઇસમો પકડાયા અને કેટલા બાકી અને તે અંગે કેવી કાર્યવાહી કરવામાં આવી તે પ્રશ્નમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી મુંદ્રા બંદર ઉપરથી પકડાયેલા ૨૧ હજાર કરોડના ડ્રગ્સમાં શું કાર્યવાહી કરી એવો સવાલ વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. 
 
પરેશ ધાનાણીએ સરકારને સવાલ કરતા કહ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારે મુન્દ્રા પોર્ટ ઉપરથી ૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયાનો એકરાર કર્યો છે છતાંય આજે પ્રશ્નોતરી દરમિયાન કચ્છ જિલ્લાને સંલગ્ન સરકારી આંકડાઓમાં ઉપરોકત સત્યને છુપાવી અને યુવાધનને બરબાદ કરનારા ડ્રગ્સ માફિયાઓને પકડવામાં સરકાર ઉપર ગુનાહિત બેદરકારીનો આરોપ લગાવતા વધુમા જણાવ્યુ હતુ કે અદાણી પોર્ટએ સુરક્ષાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા અને સુરક્ષાની જવાબદારી અંગે ભારત સરકારની સુરક્ષા એજન્સીઓ ઉપર જવાબદારી ઢોળી દીધી છે ત્યારે આ જ પોર્ટ ઉપર અગાઉ પણ અંદાજીત પોણા બે લાખ કરોડનુ ડ્રગ ઉતારીને દેશભરમાં વેચી દીધાની આશંકા વચ્ચે સરકાર કેમ ઊંઘતી રહી એવો વેધક સવાલ ઉઠાવેલ હતો.
 
રાજ્યમા વર્ષોથી ચાલતા ડ્રગ કૌભાંડનો જ્યારે સરકારી એજન્સી દ્રારા પર્દાફાશ કરવામાં આવ્યો ત્યારે પર્દાફાશ કરનારી એજન્સીના ઈમાનદાર અધિકારીઓ પાસેથી કયા મોટા માથાના ઇશારે આ તપાસની જવાબદારી છીનવી લીધી તે ગુજરાતની જનતાને જણાવવાની માંગ કરી હતી. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજયમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૬૦૬ કરોડ ઉપરાંતનાં નશીલા પદાર્થો પકડાયા છે. 
 
રાજયની સરહદો અને સમુદ્ર કાંઠેથી હજારો ટન ડ્રગ દેશની અંદર ઘુસી રહ્યું છે ત્યારે માત્ર કિલો મોઢે ડ્રગ પકડીને સરકાર વાહવાહી લુંટી રહી છે. હાલ આર્થિક મંદી, કાળજાળ મોંઘવારી, મોંઘુ શિક્ષણ અને વધતી બેરોજગારીથી નિરાશાની ગર્તામાં ધકેલાતા યુવાનોને નશીલા પદાર્થોથી મુર્છિત કરવાનુ સરકારે ષડયંત્ર રચ્યાનો આરોપ લગાવવા સહિત રાજયની લગભગ બધી જ કોલેજના પટાંગણો હાલ ડ્રગ માફિયાનો અડ્ડો હોવાનો દાવો કર્યો હતો. 
 
વધુમા જણાવેલ કે ડ્રગ માફિયાઓ દ્વારા સુખી ધરના યુવાઓને સૌ પ્રથમ નશાની લત લગાડાય, પછી તેઓને ઉધારીમાં ડ્રગ અપાય, અને પછી ઉધારી વસુલવા માટે પુખ્તવયના બંધાણીઓ પાસેથી કોરા સ્ટેમ્પ, ચેક, અને પ્રોમિસરી નોટમાં સહિ લઈને ઊંચા વ્યાજે ધિરાણ માટે વ્યાંજકવાદીઓની જાળમા ફસાવ્યા બાદ આવા યુવાનોની વારસાઈ મિલ્કતોને જમીન માફીયાઓ પાસે ગીરવે મુકાવે છે. અને છેલ્લા ડ્રગ માફિયા, વ્યાંજકવાદી અને જમીન માફિયાઓની ગુનાહિત સિન્ડિકેટ દ્વારા અમુક ખાખી ખંડણીખોરોની ભાગીદારીમા બેફામ બની અને પીડિત પરિવારની મિલકતોને ખુલ્લેઆમ પચાવી રહ્યા છે. 
 
ક્યારેક ગતિશીલ, પ્રગતિશીલ અને  વાયબ્રન્ટ કહેવાતુ ગુજરાત, હવે ઝુમતું અને ઉડતું ગુજરાત બની ગયાના દાવા સાથે આ કૌભાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી કેસને રફેદફે કરવાનો સરકાર વિરુદ્ધ આરોપ લગાવેલ હતો. છેલ્લે યુવા પેઢીને બરબાદ કરનારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કોંગ્રેસની આક્રમક લડાઈને અવિરત આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરેલ હતો.