શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :જામનગરઃ , ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (23:15 IST)

જામનગરમાં સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન પર રિવાબા કેમ ગુસ્સે ભરાયા, જાણો શું કર્યો ખુલાસો

ચપ્પલ કાઢીને શહીદોનું સન્માન કર્યું એ મારી ભૂલ છે? મારા આત્મસન્માનની વાત આવી એટલે મેં જવાબ આપ્યોઃ રિવાબા જાડેજા
 
 આજે જામનગરમાં ભાજપના ધારાસભ્ય રિવાબા મારી માટી મારો દેશ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતાં. ત્યાં મેયર બીનામેન અને સાંસદ પૂનમબેન માડમ સાથે તેમની રકઝક થઈ હતી. આ રકઝકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો હતો. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રિવાબાએ આ રકઝકનું કારણ શું હતું તે મીડિયાને જણાવ્યું હતું. 

 
સાંસદની ટીપ્પણી માફક ના આવી એટલે બોલવું પડ્યું
રિવાબાએ મીડિયાને કહ્યું હતું કે, સાંસદ પૂનમ માડમે ચપ્પલ પહેરીને શહિદોને શ્રદ્ધાંજલિ આપી અને મેં ચપ્પલ ઉતારીને આપી હતી. ત્યારે તેઓ જોરથી બોલ્યા કે આવા કાર્યક્રમોમાં પીએમ અને રાષ્ટ્રપતિ પણ ચપ્પલ નથી ઉતારતા પણ અમુક ભાન વગરના લોકો ઓવર સ્માર્ટ થાય છે. તેમની આ ટીપ્પણી મને માફક નહોતી આવી એટલે મારે મારે આત્મ સન્માનના કારણે બોલવું પડ્યું. આ તો શહીદોને સન્માન આપવાની વાત છે. આમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? મેં ચપ્પલ કાઢી એ ભૂલ કરી હતી? 
 
મારી માટી મારો દેશ કાર્યક્રમમાં રકઝક શરૂ થઈ
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારી માટી મારો દેશનો કાર્યક્રમ શહેરના લાખોટા તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમ સમયે ભાજપમાં અંદરો અંદર જ્વાળામુખી સ્વરૂપે ચીંગારી જાગી હતી. જામનગરના સાંસદ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. જાહેર કાર્યક્રમમાં જ ધારાસભ્યએ મેયર અને સાંસદને ખખડાવતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, 'સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો'. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પ્રત્યાઘાત ગાંધીનગર અને દિલ્હી સુધી પડ્યાં છે.