ગુરુવાર, 4 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (10:05 IST)

વર્લ્ડ એક્સપોની CM રૂપાણીના દુબઈ પ્રવાસની મંજૂરી PMOમાં અટવાઈ

World Expo CM Rupani's Dubai Tour
દુબઇ ખાતે પહેલી ઓક્ટોબરથી યોજાનાર વર્લ્ડ એક્સ્પોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત હાલ અનિશ્ચિત હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીના દુબઈ પ્રવાસની મંજૂરી પીએમઓમાં રોકાઈ છે. જો મંજૂરી મળશે તો રૂપાણી ડેલિગેશન સાથે દુબઈમાં યોજાનારા વર્લ્ડ એક્સ્પોમાં ભાગ લેવા જશે. દુબઈના વર્લ્ડ એક્સ્પોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારે પણ સ્ટોલ રાખ્યો છે. દેશ વિદેશના રોકાણકારો અને ખ્યાતનામ કંપનીઓ આ એક્સ્પોમાં આવવાની હોવાથી ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાતના વિવિધ ક્ષેત્રોનું પ્રમોશન કરાનાર છે.

બીટુબી અને બીટુજી મીટિંગ ઉપરાંત એમઓયુ પણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારના અધિકારીઓ અને સ્થાનિક ઉદ્યોગપતિઓનું ડેલિગેશન આ એક્સ્પોમાં જોડાનાર છે, પરંતુ હાલમાં કોરોનાના સંજોગોમાં મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ માટે કોરોના પ્રોટોકોલ અને ક્વોરન્ટાઇન ગાઇડલાઇન સહિતની બાબતો અંગે રાજ્ય સરકાર દ્વારા પીએમઓનું માર્ગદર્શન માગવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું કે, કોરોના મહામારીના સમયમાં પોલિટિકલ ડેલિગેશનના વિદેશ પ્રવાસ અંગે કેટલાંક નિયંત્રણો હોય છે. જો ક્વોરન્ટાઇન સહિતના નિયમો હોય તો સીએમ ક્વોરન્ટાઇનમાં રહી શકે નહીં. આ સહિતની બાબતો અંગે સરકારે માર્ગદર્શન માગ્યું છે. પીએમઓની મંજૂરી બાદ સીએમના દુબઈ પ્રવાસ અંગે આખરી નિર્ણય લેવાશે. આથી હાલ વર્લ્ડ એક્સ્પોના આયોજકોને પણ કન્ફર્મેશન અપાયું નથી. કોઈ સંજોગોમાં સીએમ દુબઇ પ્રવાસે નહીં જાય તો ઉચ્ચ અધિકારીઓનું ડેલિગેશન વર્લ્ડ એક્સ્પોમાં જોડાશે.