શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 મે 2024 (17:56 IST)

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆત  થઈ ગઈ છે. જોકે આ વર્ષે પહેલા જ દિવસ યમુનોત્રીમાં ભારે ભીડના કારણે અવ્યવસ્થાના સમાચાર આવી રહ્યા છે. એવામાં હવે આજે ગંગોત્રી જવાના માર્ગ પર 15 કિમી જેટલી વાહનોની લાંબી કતાર લાગી હતી. નોંધનીય છે કે દર વર્ષે ગુજરાતથી મોટી સંખ્યામાં ભક્તો ચાર ધામ યાત્રા કરવા જાય છે ત્યારે આજે ચક્કાજામમાં અનેક ગુજરાતીઓ ફસાયા હતા.
 
ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે  કેદારનાથ ધામની સાથે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા. ત્યારબાદ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે કારણ કે ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓ આવવાના કારણે લોકોના જીવ પર જોખમ વધી ગયું છે. આ કારણે ઉત્તરાખંડ પોલીસે લોકોને યાત્રા ન કરવાની અપીલ કરી છે.
 
યમુનોત્રી ધામ યાત્રા શરૂ થયા બાદ જે તસવીરો સામે આવી રહી છે તે ભયાનક છે. વીડિયો અને તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યમુનોત્રી ધામ યાત્રાધામમાં જ હજારો ભક્તો જોવા મળે છે. કેટલાક સો મીટરનો ચાલવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હતો. 10 મેથી શરૂ થયેલી આ યાત્રાનો મંગળવારે પાંચમો દિવસ છે. પરંતુ, ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે આ યાત્રાને હાલ મોકૂફ રાખવાની અપીલ કરી છે.