યોગનો પ્રચાર પ્રસાર કરવા યોગ બોર્ડની રચના કરાશે એવી મુખ્યપ્રધાનની જાહેરાત
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. તેમણે યોગ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યોગના માધ્યમથી બીમારીઓ દૂર થાય છે, સમાજ જેટલો સ્વસ્થ હશે તેટલી ગરીબી દૂર થશે અને સ્વસ્થતા કેળવવા માટે યોગ જરૂરી છે જેથી રાજ્યમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે માટે યોગ બોર્ડની રચના કરવામાં આવશે.
તેમણે કહ્યું, “રાજ્યમાં યોગ બોર્ડની રચના કરવામાં આવશે. ગુજરાતના જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. યોગ આપણી આધ્યાત્મીક વિરાસત છે, તેના પ્રસારની સાથે સાથે સ્વસ્થ્ય શરીર અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે યોગના માધ્યમથી પ્રયાસ કરાશે. જો લોકો રોગો પહેલાંની જાળવણી કરશે તો સમાજ રોગ મુક્ત અને ગરીબી મુક્ત બનશે.”
આંતરાષ્ટ્રીય યોગ દિવસ નીમિતે ઝારખંડના રાંચીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન મોદીએ પણ રોગ અને ગરીબીને દૂર કરવા માટે ઘર ઘર સુધી યોગ લઈ જવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે યોગ દેશમાં ગરીબી દૂર કરી રહ્યો છે પરંતુ આધુનિક યોગ હજુ છેવાડાના માનવી સુધી પહોંચ્યો નથી. હું દેશના તમામ લોકોને અપીલ કરૂ છું કે આધુનિક યોગને ગરીબ, આદિવાસી, છેવાડાના માનવી સુધી પહોંચાડી તેમને ગરીબીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરીએ.