બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 30 ઑક્ટોબર 2021 (18:20 IST)

વડોદરાના યુવાનનુ કેનેડામાં ક્લિફ જમ્પિંગ રમત દરમિયાન પાણીમાં ડૂબી જવાથી મોત

કેનેડા અભ્યાસ માટે ગયેલા વડોદરાના વારસીયાનાયુવાનનુ ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મોડી રાત્રે તેનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો. આજે સવારે પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે તેની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં પરિવારજનો, સ્થાનિક રાજકીય અગ્રણીઓ, મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. 
 
આજે સવારે રાહુલના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રા કારેલીબાગ બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં સિધી સમાજની પરપરા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાહુલની અંતિમ વિદાય સમયે પરિવારના હૈયાફાટ રૂદનને જોઈ અંતિમ યાત્રામાં જોડાયેલા લોકો પોતાના આસુ રોકી શક્યા ન હતા. સમગ્ર વારસીયા વિસ્તારમાં સવારથી સન્નાટો રહ્યો હતો.
 
અંતિમ યાત્રા સુધી વારસીયા વિસ્તારમાં નાના મોટા વેપારીઓએ સ્વ. રાહુલના માનમાં પોતાના વેપાર ધંધા બંધ રાખી રાહુલને શ્રધ્ધાંજલી આપી હતી. અંતિમ યાત્રામાં રાહુલના કોલેજના મિત્રો મોટી સંખ્યામાં જોડાયા. અને મિત્ર સ્વ. રાહુલને શ્રધ્ધાંજલી આપી હતી. 
આ ઉપરાંત સ્વ. રાહુલની અંતિમ યાત્રામાં સાસદ રંજનબેન ભટ્ટ, સ્થાનિક કાઉન્સિલરો હિરાભાઇ, ડો. શિતલ મિસ્ત્રી, સહિત રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
 
ઉલ્લેખનીય છે કે, દીપાવલી પર્વ ટાણે અણધાર્યા મોતને ભેટેલા રાહુલ મખીજા અભ્યાસ પૂર્ણ થતાં તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને ક્લિફ જમ્પિંગ રમતાં ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં વડોદરામાં માતા-પિતાએ જમવાનું છોડી દીધું હતું અને ભારે સમજાવટ બાદ બે દિવસ પછી જમવાનું શરૂ કરતાં સ્વજનોએ હાશકારો અનુભવ્યો હતો. વારસિયાના ઈદ્રલોક સોસાયટીમાં રહેતા અને ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવતા સુનીલભાઈ માખીજાનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો.
 
 
અભ્યાસ પૂર્ણ થતાં તેણે નોકરી માટે એપ્લાય કર્યું હતું. દરમિયાન મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો 20 ઓકટોબરે મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી. દરમિયાન એક મિત્ર યસ કોટડિયા પાણીમાં ઠંડા પાણીને પગલે ગભરાયો હતો, પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ પાણીમાં કૂદેલો રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરક થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.
 
બનાવની જાણ થતાં માતા-પિતાની હાલત કફોડી બની હતી અને માતા પૂજાબેન અને પિતા સુનીલભાઈએ જમવાનું છોડી દીધું હતું. કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતુ મંજૂરી અને ટેક્નિકલ કારણોથી સમય વેડફાવાનું જણાતાં અન્ય પરિચિતો દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને જાણ કરાતાં તેઓ પરિવાર પાસે દોડી ગયા હતા અને તેમના પ્રયાસોથી એક દિવસ વહેલો મૃતદેહ વડોદરા આવ્યો હતો.
 
વડોદરાના ચાર મિત્રો સાથે કેનેડામાં રહેતો રાહુલ જાન્યુઆરી મહિનામાં જ વડોદરા આવ્યો હતો. આગામી સમયમાં નવી નોકરી શરૂ કરવાની હોવાથી અને અભ્યાસ બાદ પૂર્ણ કક્ષાની નોકરી મળવવાનો હોવાથી ત્રણ વર્ષ આવી ન શકાય એમ પરિવારને જણાવી પરત ગયો હતો.
 
રાહુલના ભાઈ સચિન માખીજાએ જણાવ્યું હતું કે ગત સોમવારે જ રાહુલનો ફોન આવ્યો હતો અને મમ્મી સાથે વાત કરી હતી. નોકરી લાગ્યા બાદ ફરવા નહીં જવાય, તેથી મિત્રો સાથે ફરવા નીકળ્યો છે અને બહુ મજા આવે છે એમ જણાવ્યું હતું.