ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (15:33 IST)

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આપઘાત કરવા ચોથા માળેથી યુવક કૂદી ગયો, પતરાં ઉપર પડતાં જીવ બચ્યો

અમદાવાદમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. નાની નાની વાતોમાં અથવા તો પારિવારિક ત્રાસના કારણે આપઘાતના બનાવો વધ્યાં છે. બીજી તરફ કોરોના કાળમાં રોજગારીના પ્રશ્નોને કારણે પણ આપધાતના બનાવો નોંધાઈ રહ્યાં છે. ત્યારે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં એક શખ્સે ચોથા માળેથી આત્મહત્યા કરવા માટે છલાંગ મારી હતી. નસીબજોગે આ યુવક નીચે પતરાં પર પટકાતાં તેનો જીવ બચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં G બ્લોકના ચોથા માળેથી આજે સવારે એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકને ચોથા માળેથી છલાંગ લગાવતાં પહેલાં ત્યાં હાજર લોકોએ બુમો પાડીને આવું નહીં કરવા સમજાવ્યો હતો. પરંતુ તેણે કોઈની વાતને નહીં માનીને આખરે ચોથા માળેથી નીચે પડતું મુક્યું હતું. નસીબ જોગે તે પતરાં પર પડતાં તેનો જીવ બચી ગયો હતો.યુવકને બચાવવા માટે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડની બે ગાડીઓ જે હોસ્પિટલમાં હાજર હોય છે ત્યાં પહોંચી હતી. બાકીની રેસ્ક્યુ વાહનો રવાના કરવામાં આવ્યા હતા.  ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ ફાયરબ્રિગેડના અધિકારી તેને બચાવવા સમજાવી રહ્યા હતા તે દરમિયાનમાં જ યુવકે નીચે કૂદકો મારી દીધો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનું નામ નરેશ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. યુવકે શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તેની માહિતી યુવકના ભાનમાં આવ્યા બાદ જ જાણવા મળી શકે છે. આત્મહત્યાના પ્રયાસનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો તેને જોઈ વાતચીત કરે છે અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ સમજાવતા હતા છતાં પોતે નીચે કૂદકો મારે છે.