શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ડિસેમ્બર 2018 (12:25 IST)

જસદણ જંગ ભાજપ માટે હવે પ્રતિષ્ઠાનો સવાલ : 22મીએ મોદી મહિલા મોરચાને સંબોધશે

ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ આગામી જણાવ્યું હતું કે, પક્ષનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન ૨૧-૨૨ ડિસેમ્બરે ત્રિમંદિર, અડાલજ ખાતે યોજાશે. ૨૨ ડિસે. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ગદર્શન આપશે.
પાંચ રાજયોની ચૂંટણીમાં ભાજપનો જે રીતે ધબડકો થયો તેને લઇને જસદણની પેટા ચૂંટણી માટે પક્ષના મોવડીઓમાં ભારે ચિંતા ઊભી થઈ છે. જો જસદણ બેઠક હારે તો તેના ગંભીર રાજકીય પ્રત્યાઘાતો પડે અને તેવી વાતો અત્યારથી જ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. કોળી સમાજ ઉપર પક્કડ જમાવી રાખવા ભાજપ દ્વારા રાતોરાત કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ કરી કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે ત્યારે જસદણનો જંગ જીતીને પક્ષની પ્રતિષ્ઠા ટકાવી રાખવા માટે ભાજપને નવેસરથી વ્યૂહ રચના ઘડવી પડે તેવી નોબત છે. જસદણમાં કોઇ જોખમ લેવા ન માગતી ભાજપની નેતાગીરીએ વિવિધ વિસ્તારના ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો, ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના મોરચાઓના નેતાઓને પણ કામે લગાડી દીધા છે. .
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાથી લઇને અન્ય ધારાસભ્યો જસદણમાં ધામા નાખીને બેઠા છે અને કોંગ્રેસને ત્રણ રાજયોમાં વિજય મળતા આત્મવિશ્વાસ વધ્યો છે ત્યારે ભાજપ હવે આ પેટાચૂંટણીને લઇને અધ્ધરજીવે છે. ભાજપના એક નેતાના કહેવા મુજબ જસદણની ચૂંટણીને ભાજપ દ્વારા પહેલાથી જ મહત્વની માની છે પરંતુ જે રીતે આ પરિણામો આવ્યા છે તે જોતા હવે ચોક્કસ વ્યૂહ રચનામાં વધુ ચોકસાઇ અને જરૂર પડે ત્યાં ફેરફાર કરાશે.