ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (11:21 IST)

ભારત ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ બનશેઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી

અમદાવાદ ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય બજેટ-2022 અંગે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે બજેટ 2022 એ કોઈ ચીલાચાલુ કે વાર્ષિક હિસાબકિતાબનું જ બજેટ નથી પરંતુ આગામી 25 વર્ષના અમૃતકાળના રોડમેપ સ્વરૂપે તૈયાર થયેલું બજેટ છે, જેમાં આત્મનિર્ભર ભારતનું વિઝન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 
 
મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે જ્યારે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણજીએ બજેટ ફ્લોર પર રજૂ કર્યુ ત્યારે તેમણે બજેટ ભાષણની શરૂઆતમાં જ કહ્યું હતું કે ચાલુ વર્ષનું બજેટ એ અમૃતકાળનું બજેટ છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે અત્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આગામી 25 વર્ષ બાદ ભારત તેની આઝાદીના 100મા વર્ષે કેવું હશે, કેટલું સમૃદ્ધ હશે, કેટલું વિકસિત હશે તેની પરિકલ્પના રજૂ કરતું આ બજેટ છે.
 
તેમણે કહ્યું હતું કે 25 વર્ષ પછી ભારત કેવું હશે એનું વિઝન બજેટમાં છે. પ્રધાનમંત્રી શ્રી મોદીજીનો સંકલ્પ છે કે સર્વગ્રાહી રીતે દેશ માટે વિચારવું છે. જે વિચાર આ બજેટમાં સમાવિષ્ટ છે. જેમાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચે એની કલ્પના કરવામાં આવી છે. આપણું ફોકસ સર્વસમાવેશી, સર્વકલ્યાણકારી વિકાસ પર છે અને એ માટેનો રોડમેપ ચાલુ વર્ષે રજૂ થયેલું કેન્દ્રીય બજેટ છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે આ ઉપરાંત ટેકનોલોજીનો સ્વીકાર કરવાની પણ વાત અને એ ટેકનોલોજીનો ઉપયોગ ક્લાઈમેટ અનુકૂળ હોય એવો વિચાર પણ આ બજેટમાં સામેલ છે. જેનું ઉદાહરણ ગ્રીન એનર્જી સેક્ટર છે.
 
દેશમાં અત્યારે ગ્રીન એનર્જીની ચર્ચા થઈ રહી છે. જેમાં ખાસ કરીને ગ્રીન હાઈડ્રોજન શબ્દ આગામી દિવસોમાં ખૂબ સાંભળવા મળશે. તેમણે કહ્યું હતું કે હાઈડ્રોજન એક ઊર્જા છે અને પાણીમાંથી તેને અલગ કરવા માટેનો ખર્ચ ઘટાડવાની વિચારણાનો સમાવેશ પણ કેન્દ્રીય બજેટમાં થયો છે તો સાથે ડ્રોન ઈન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહિત કરીને દેશના એવા પ્રદેશો કે જ્યાં કુદરતી કઠિનાતાઓ વધુ છે ત્યાં પણ ડ્રોનની મદદથી લોકોની સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવે એવો ખ્યાલ પણ આ વખતના બજેટમાં રજૂ કરાયો છે.
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કેન્દ્રીય બજેટ અંગેના પ્રબુદ્ધ નાગરિકો સાથેને સંવાદમાં કહ્યું હતું કે ભારતમાં લોજિસ્ટિક ખર્ચ ઘટાડવાની જરૂર છે. જેને લક્ષમાં રાખીને જ મોદી સરકારે પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં મલ્ટીમોડલ લોજિસ્ટિકથી તેનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ થવાનો છે અને તેના પરનું કામ ચાલુ થઈ ગયું છે. સમગ્ર દેશના વિકાસની એક સરખી બ્લુપ્રિન્ટ આ પ્રોજેક્ટથી તૈયાર કરાઈ રહી છે. ચાલુ વર્ષનું બજેટ એ અમૃતકાળનું બજેટ છે. એમ નાણાં મંત્રીએ ફ્લોર પર મૂક્યું ત્યારે પ્રથમ શબ્દ તેમણે આ કહ્યું હતું. ભારતના બજેટ વિશે દેશવિદેશના મીડિયાએ નોંધ લીધી. મનસુખ માંડવિયાએ કહ્યું કે બજેટ એટલે વર્ષનો હિસાબકિતાબ, કેટલીક જાહેરાતો, કેટલીક યોજનાઓ હોય એવું માનતા... એમ બજેટ રજૂ થઈ જતું... આ વખતે બજેટ એટલે વિઝન ડોક્યુમેન્ટ તરીકે રજુ કરાયું છે. 
 
મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારત વૈવિધ્યસભર દેશ છે અને વિવિધતાઓની સાથે દેશે પ્રગતિ કરવાની છે અને એટલા માટે જ સમાવેશી વિકાસની જરૂર છે. વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતા મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિચાર્યું કે સામાન્ય ગામડાના એક છેવાડાના માણસ સુધી પણ બેંક સુવિધા પહોંચવી જોઈએ. પરંતુ બેંકોનો વ્યાપ તો એટલી હદે વધારી શકાય એ શક્ય નથી. આથી જ હવે પોસ્ટ ઓફિસને બેંકમાં તબદિલ કરવામાં આવશે અને લોકોને બેન્કિંગ સેવાઓ મળતી થશે. તેમણે કહ્યું કે ભારતના આ વખતના કેન્દ્રીય બજેટ વિશે સ્થાનિક સ્તરથી લઈને દેશ વિદેશમાં અનેક ટિપ્પણીઓ થઈ. કેમકે આ વખતના બજેટમાં કંઈક ખાસ છે. ઘણા લોકોએ દર વખતની જેમ બજેટ ચીલાચાલુ છે એમ પણ કહ્યું પરંતુ બજેટનો વિસ્તૃત અભ્યાસ જ્યાં થયો ત્યાં અનેક સ્થળે પોઝિટિવ ટિપ્પણીઓ પણ આવી છે.
 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં નોકરીઓ કેટલી મળશે એવા સવાલો બજેટ રજૂ થયા પછી થયા છે. પરંતુ મોદી સરકાર નોકરી પ્રદાતાઓ વધે એ માટે પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આજથી 2100 વર્ષ અગાઉ ચાણક્યએ કહ્યું હતું કે મહાજનોને રાજ્યાશ્રય મળવો જોઈએ. ચાણક્ય કહેતા હતા સંપત્તિ સર્જન એક કૌશલ્ય છે અને એ કૌશલ્ય ધરાવનારનું સન્માન થવું જોઈએ કેમકે તે દેશ માટે એસેટ સર્જે છે. એ પછી ચાણક્યએ એમ પણ કહ્યું કે સંપત્તિ સર્જન કરનારા પાસેથી સરકાર ટેક્સ લે અને એ ટેક્સમાંથી ખેડૂતો અને ગરીબોનું કલ્યાણ કરવામાં આવે. મનસુખ માંડવિયાએ કહ્યું કે 2100 વર્ષ અગાઉ ચાણક્યએ જે વાત કરેલી એ જ વિચાર સાથે આજની ભારત સરકાર કામ કરી રહી છે.
 
મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં ક્ષમતાઓનો અભાવ નથી. કોરોના જેવી મહામારી આવી પણ ભારતે જે રીતે તેનો સામનો કર્યો છે તેના તરફ સમગ્ર દુનિયાનું ધ્યાન દોરાયું છે. અગાઉ ભારતમાં રિસર્ચ માટે પાંચ વર્ષની મર્યાદા હતી. કોવિડ માટે રસીના રિસર્ચ માટે જો આટલો સમય જાય તો દેશમાં મહામારીએ કાળો કેર વર્તાવ્યો હોત. તેમણે કહ્યું કે એ સમયે પ્રધાનમંત્રીએ દેશના વિજ્ઞાનીઓ, ફાર્મા કંપનીઓનાં માલિકોને બોલાવ્યા અને મીટિંગ કરી. 
 
તેઓને પૂછ્યું કે શું આપણે રસી માટે રિસર્ચ ન કરી શકીએ. ત્યારે સૌએ કહેલું કે આપણે પણ રિસર્ચ કરી શકીએ પરંતુ વહેલી તકે તેના પરિણામો મેળવવા વર્ષો જૂના નિયમોમાં ફેરફાર જરૂરી છે. તેના પછી નિયમો બદલાયા અને સ્વદેશી રસીનું ઉત્પાદન શરૂ પણ થઈ ગયું. ભારતના સૌથી વિશાળ રસીકરણ અભિયાનના કારણે જ દેશમાં કોરોનાનો સામનો ઘણો જ સફળતાપૂર્વક થઈ શક્યો છે.
 
તેમણે કહ્યું કે કોઈ કરદાતા પોતાની આવક દર્શાવવાનું ભૂલી જાય તો તેને માત્ર ચોર તરીકે જોવામાં આવતા હવે આ કરદાતાને આકારણી વર્ષથી બે વર્ષ સુધી પોતાની ભૂલાઈ ગયેલી આવક જાહેર કરી ટેક્ષ ભરવાની છૂટ આપવામાં આવશે. પહેલા ચોરનું લેબલ લગાવાતું જે હવે તેને ભૂલ તરીકે જોવાનું શરૂ થયું છે. ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’થી હવે ‘સબ પે વિશ્વાસ’ મંત્ર સાથે દેશની તરક્કીમાં તમામ વર્ગોને જોડવાની શરૂઆત કરવામાં આવી છે.
 
આ બજેટ સમાજના તમામ સમુદાયોને પ્રગતિનો અવસર પ્રદાન કરનારૂ, આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત કરનારૂ, દેશના વિકાસમાં તમામની ભાગીદારી સુનિશ્ચિત કરનારૂ તથા ‘સબ પે વિશ્વાસ’ અને ‘સબ કો સન્માન’ની ભાવનાના આધારે દેશમાં એક વિશ્વાસનું વાતાવરણ સર્જનાર છે એમ મનસુખ માંડવિયાએ ઉમેર્યુ હતું.
 
 તેમણે કહ્યું કે આવી રીતે જ ક્રિપ્ટો કરન્સી, ડિજિટલ કરન્સી, જેવી સમયની માંગ સમાન બાબતો અંગે સરકારે દર્શાવેલ પ્રતિબદ્ધતા દર્શાવે છે કે મોદીજીની સરકાર વર્તમાન જરૂરિયાતો અને વાસ્તવિકતાને આધારે નિર્ણય લેવા તત્પર છે. તેમણે કહ્યું હતું કે માત્ર સાત વર્ષનાં ગાળામાં બજેટનું કદ રૂ.૧૬.૬૫ લાખ કરોડથી વધારીને રૂ.૩૯.૪૫ લાખ કરોડ કરવું એ આસાન કાર્ય નથી. બજેટનું કદ વધવાથી જાહેર ખર્ચ વધે છે અને સાથે જ તેજીથી વિકસિત થાય છે દેશના વિવિધ ધંધાકીય ક્ષેત્રો અને રોજગાર વધે છે.