1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (11:41 IST)

મેરા એક ઘર બને ન્યારા: પીએમ મોદીનું સપનું થયું સાકાર, ૨૩૭ લાભાર્થીઓને મળ્યું પોતાના સપનાંનું ઘર

રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબ લાભાર્થીઓને સ્થાયી નિવાસસ્થાન પૂરું પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા છે. કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા બગુમરા ગામમાં એક આખા સમુદાયને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના સ્વપ્નનું ઘર મળ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક એવી સફળ મિશાલ છે કે આ ગામના ૨૩૭ લાભાર્થીઓ તેમના જૂના કાચાં ખોરડાંની જગ્યાએ પાકું મકાન બનાવી શક્યા છે. 
 
વર્ષ ૨૦૨૨માં જ્યારે ભારત આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરે ત્યારે દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના છે. જેને સાકાર કરવાના ઉદ્દેશથી વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાનશ્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ શરૂ કરી હતી. આ યોજનાની સફળતાની ગાથા બગુમરા ગામ લખી રહ્યું છે. બગુમરામાં આશરે ૩૫૦૦ લોકોની વસ્તી છે. મોટાભાગના વસ્તી પટેલો તથા હળપતિઓની છે. 
 
આ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીએલસી ઘટક હેઠળ ૨૩૭ લાભાર્થીઓના પાકા આવાસો મંજૂર થયા છે, તે પૈકી ૧૯૭ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, અને બાકી ૪૦ આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે, જે માર્ચ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ૩૨૭ આવાસો માટે રૂ.૮.૨૯ કરોડની ગ્રાન્ટ મંજૂર થયેલી છે, જેમાંથી રૂ.૬.૨૫ કરોડની ગ્રાન્ટ ચૂકવી દેવામાં આવી છે. સુરતનું બગુમરા ગામ બીએલસી ઘટક હેઠળ લાભાર્થીઓને મળેલા લાભનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
 
ખુશીથી છલકાતાં શબ્દો સાથે બગુમરામાં રહેતા આવાસના લાભાર્થી આશાબહેન રાઠોડ જણાવે છે કે, ‘હું મજૂરી કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. પહેલાં મારું ઘર એક કાચું ઝૂંપડું જ હતું, જેમાં સંડાસ-બાથરૂમની પણ વ્યવસ્થા ન હતી. ચોમાસાની ઋતુમાં ચોમાસાનું પાણી ભરાઈ જતું અને અમને ખૂબ મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળી. અમે આ યોજના માટે ફોર્મ ભર્યું અને સરકાર દ્વારા ગણતરીના દિવસોમાં તે મંજૂર કરવામાં આવ્યું. ત્યારબાદ છ હપ્તામાં સરકાર દ્વારા અમારા ખાતામાં સીધા નાણા જમા થતા ગયા અને અમે અમારા માટે એક સુંદર અને સુવિધાયુક્ત પાકું આવાસ બનાવી શક્યા છીએ. સરકારની આ યોજના વગર આવું સુંદર ઘર બનાવવું શક્ય ન હતું. અમારા સપનાના ઘરમાં હવે અમે સુખેથી રહીએ છીએ અને અમારા બાળકોને સારી રીતે ભણાવી પણ શકીએ છીએ.'
 
પી.એમ.આવાસ યોજના હેઠળ થયેલા આ આવાસોના બાંધકામમાં લાભાર્થીઓની તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે, તેમના ઘરોમાં એલપીજી ગેસલાઈનની સુવિધા સાથેનું રસોડું, સ્વચ્છ અને સુઘડ સંડાસ-બાથરૂમ, દરેક ઘરને પીવાના શુદ્ધ પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન તેમજ ફળિયામાં પેવર બ્લોકવાળા પાકા રસ્તાઓ, સ્ટ્રીટલાઇટ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
 
સ્વચ્છ-સુઘડ અને સુવિધાસભર આવાસોનું નિર્માણ થવાથી બગુમરા ગામના લોકોની સુખાકારીમાં ખૂબ મોટા પ્રમાણમાં સુધારો આવી રહ્યો છે. આવનારી પેઢીઓના ઉછેર અને ઘડતરમાં તેની હકારાત્મક અસરો ઊભી થઈ છે. જેના કારણે તેમના બાળકોમાં શિક્ષણનું સ્તર પણ ઊંચું જઈ શકશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ આવાસ યોજના રાજ્યભરના અને દેશભરના ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના લોકોનું પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન સરળતાથી સાકાર કરી રહી છે. 
 
મેરા એક ઘર બને ન્યારા: સપનાઓ સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના
શહેરી વિસ્તારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના કુલ ચાર ઘટકો છે, જે હેઠળ લાભાર્થીઓને આવાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આમાંનું એક ઘટક છે, બેનિફિશિયરી-લેડ કન્સ્ટ્રક્શન (BLC) એટલે કે લાભાર્થીની આગેવાની હેઠળ વ્યક્તિગત મકાન બાંધકામ/ઉન્નતિકરણ માટે સબસીડી. આ ઘટક હેઠળ લાભાર્થીઓને તેમના સ્વપ્નનું ઘર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. 
બીએલસી ઘટક હેઠળ લાભ મેળવવાની પ્રક્રિયા નીચે મુજબ છે: 
 
સૌપ્રથમ ગામના સરપંચ તેમજ ગામના મોભીઓને સાથે રાખીને લાભાર્થીઓ સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવે છે. 
જાહેર સભામાં લાભાર્થીઓને યોજનાની પૂરેપૂરી જાણકારી આપવામાં આવે છે. 
લાભાર્થીઓનો સર્વે કરી તેમના ફોર્મ ભરવામાં આવે છે.
લાભાર્થીઓના ભરેલા ફોર્મ્સ સૌપ્રથમ રાજ્ય સરકાર દ્વારા અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે. 
મંજૂર થયેલા લાભાર્થીઓ સાથે ત્રિપક્ષીય કરાર કરવામાં આવે છે. 
લાભાર્થીઓનું જીઓ ટેગિંગ (Geo Tagging) કરવામાં આવે છે. 
ત્યારબાદ યોજના હેઠળ મંજૂર થયેલા લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે કુલ રૂ.૩.૫૦  લાખની સહાય આપવામાં આવે છે. 
આ રૂ.૩.૫૦ લાખની સહાય છ હપ્તાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે.