રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ઑગસ્ટ 2018 (13:35 IST)

લિજ્જત પાપડના કર્મચારીઓની મનમાનીથી કંટાળી મહિલાઓ હડતાળ પર ઉતરી

રાજકોટના ગોંડલ રોડ પર આવેલી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ ખાતે બુધવારે સવારે મહિલાઓએ હડતાળ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ લિજ્જત પાપડના કર્મચારી સાથે પડતર માંગણીઓ સહિતની બાબતે ચર્ચા કરી હતી. પરંતુ કર્મચારીઓએ મહિલાઓ સાથે દાદાગીરી કરી જાતિ પ્રત્યે હડધૂત કરતા મામલો બીચક્યો હતો. ચોમાસાની સિઝન દરમિયાન પાપડ નહીં સૂકાતા હોવા છતાં મહિલાઓને કામમાંથી છૂટા કરી આપવાની ધમકી આપતા હતા. દરરોજ સાતથી આઠ કિલો પાપડનો લોટ આપી દેવામાં આવતો હતો. જ્યારે મહિલાઓ દ્વારા સમય મુજબ કામગીરી કરવામાં આવતી હોય છતાં મહિલાઓને યોગ્ય સમયે કામનું વળતર આપવામાં આવતું નથી. આ બાબતે વિરોધ કરનાર મહિલાએ જણાવ્યું હતું કે, દરરોજ જુદા જુદા કારણોસર મજૂરીના પૈસામાંથી નાની મોટી રકમ કાપી લેવામાં આવે છે. કર્મચારીઓના ગેરવર્તનને કારણે અત્યાર સુધીમાં 1200 જેટલી મહિલાઓમાંથી 400 જેટલી મહિલાઓ નોકરી મૂકી ચૂકી છે. ટૂંક સમયમાં મહિલા મંડળમાં નિર્ણય લઇ મિટિંગ યોજવામાં આવશે. જો લિજ્જત પાપડના કર્મચારીઓ પડતર માંગણી નહીં સ્વીકારે તો વિરોધ પ્રદર્શન કરી મહિલાઓ દ્વારા બેમૂદ્દતી હડતાળ કરવામાં આવશે.