સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 8 જાન્યુઆરી 2023 (10:54 IST)

‘પ્લેટિનમ વન’ - હરિયાળીમાં પગરાવની સાથે દાંડી યાત્રાની ઝાંખી કરાવતું ગળતેશ્વર સ્થિત નવીન પર્યટન સ્થળ

ગળતી નદીના કાંઠે આવેલા પ્લેટિનમ વનમાં નિરાંત અનુભવતા પ્રકૃતિ ઉપાસકો અને પ્રકૃતિ - પ્રેમીઓ
 
દેશભરના પ્રવાસીઓ માટે ગળતેશ્વર ખાતે આવેલું પ્લેટિનમ વન બન્યું આકર્ષણનું કેન્દ્ર
 
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થિત ગળતેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયના દર્શને આવતા ભાવિક ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરીને ગળતેશ્વર મહાદેવ મંદીરના દર્શને અચૂક આવે. ગળતેશ્વર મહાદેવ પાસેથી વહેતી મહીસાગર નદીમાં ડૂબકી લગાવ્યા વિના આ શ્રધ્ધા યાત્રા પૂર્ણ ન થાય. હવે આ જ પવિત્ર યાત્રાના માર્ગમાં એક નવીન, પ્રકૃતિસભર, મનને શાંતિ અને તનને ઠંડક અર્પતું સ્થળ એટલે પ્લેટિનમ વન.
 
ખેડા જિલ્લા વન વિભાગ દ્વારા ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામે, ગળતી નદીના કાંઠે, ગળતેશ્વર મહાદેવ મંદિરના સામિપ્યમાં, પ્લેટિનમ વનનું નિર્માણ  કરવામા્ં આવ્યું છે. અનેકવિધ જીવંત છોડ, ફુલો અને વૃક્ષોથી સજ્જ આ સુંદર ઉપવન પ્રકૃતિના ઉપાસકો માટે નિરાંત અને પ્રકૃતિ-પ્રેમીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર બન્યું છે.    
પ્લેટિનમ વનની મુખ્ય વિશેષતા છે કે અંહી મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી યાત્રાના ૨૨ સ્થળોની પ્રતિકૃતિ વૃક્ષોના માધ્યમથી બતાવવામાં આવી  છે. આ ઉપરાંત અહીં સરદાર વનમાં સરદાર વલ્લભભાઈ પટેલની જીવંત વૃક્ષ-મૂર્તિ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. 
પ્લેટિનમ વનના આકર્ષણના કેન્દ્રો:  
દાંડી યાત્રા સ્મૃતિ પથ:    
હાલ ૧ હેકટર ભૂમિમાં પથરાયેલા આ બાગમાં વિવિધ વૃક્ષો દ્વારા ગાંધીજીની દાંડીયાત્રાના સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધીના ૨૨ સ્મારકોની પ્રતિકૃતિને આકાર આપવામાં આવ્યો છે.  
 
રેંટિયો વન: 
આ વનમાં વિવિધ વનસ્પતિઓ દ્વારા ગાંધીજીના રેંટિયાની આરીઓનો આકાર આપવામાં આવ્યો  છે. આ ઉપરાંત ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવનું લખાણ પણ વિવિધ છોડ દ્વારા કરવામાં આવ્યુ છે. 
 
નમો વડ:  
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની વિશિષ્ટ કામગીરી રૂપે અહીં ૭૫ વડ ઉગાડવામાં આવ્યાં છે. 
 
સરદાર વનઃ 
આ વનમાં વિવિધ વનસ્પતિઓ દ્વારા બનાવેલી દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પર્યટકોનું ધ્યાન આકર્ષે છે. 
ઓક્સિજન પાર્ક: 
અહીં શ્વાસનું મહત્વ સમજાવવા ફેફસાના આકારમાં આયુર્વેદિક વૃક્ષો અને વનસ્પતિ જેમ કે ટી-તુલસી, નગોડના ઔષધિના છોડ અહી ઉગાડવામાં આવ્યાં છે.
 
આ ઉપરાંત, કાંચનાર, ચંપો, અને પીપળાના મોટી માત્રામાં ઉગેલા વૃક્ષો પ્લેટિનમ વનની રમણીયતા અને શાંતિમાં વૃદ્ધિ કરે છે. સાથે સાથે પ્લેટિનમ વનમાં નાના મોટા જીવો પ્રકૃતિની ગોદમાં આનંદથી રહે છે.
 
આ સુંદર, સ્વચ્છ અને પ્રકૃતિમય જગ્યામાં પ્રકૃતિના ઉપાસકો અને સહેલાણીઓ નિયમિત મુલાકાત લેતા રહે છે. ખાસ કરીને આસપાસની શાળા-કોલેજના વિદ્યાર્થીઓ રજાના દિવસોમાં પ્લેટિનમ વનની મજા માણવા આવે છે.
 
ઉલ્લેખનીય છે કે સરકારની સામાજિક વનીકરણ યોજના અંતર્ગત પ્લેટિનમ વન પ્રોજેક્ટનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૯૬૯-૭૦માં શરૂ કરવામાં આવેલી સામાજિક વનીકરણની યોજનાનો આશય બિન-જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાનો છે. ગુજરાત ફોરેસ્ટ સ્ટેટેસ્ટીક્સ વર્ષ ૨૦૨૦-૨૧ મુજબ  અત્યારે ખેડા જિલ્લા ૨૧.૦૫ ચો.કિમી જંગલ વિસ્તાર છે. ત્યારે વનીકરણ માટેના પ્લટીનમ વન પ્રોજેકટની સફળતાનું મહત્વ અનેકગણુ વધી જાય છે.