ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ તીર્થ સ્થળ
Written By સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી|

સ્વર્ણ મંદિર (હરિમંદિર સાહેબ)

પંજાબના અમૃતસર શહેરમાં આવેલું હરિમંદિર (હરિ મંદર) જગતભરના શીખોનું સૌથી પવિત્ર સ્થળ અને શ્રદ્ધા કેન્દ્ર છે. સ્વર્ણ મંદિર તરીકે જાણીતું હરિમંદિર ધાર્મિક અને આધ્યાત્મિક સ્વતંત્રતાના પ્રતિક સમું ગણાય છે. આ સ્થળ ધાર્મિક પ્રવાસન ધામ તરીકે પણ જગવિખ્યાત છે.

1574માં આ મંદિર પાસે એક નાનું તળાવ અને જંગલ હતું. શીખ ધર્મના ચોથા ગુરૂ રામ દાસજીએ તે અરસામાં તળાવનું ક્ષેત્રફળ વિસ્તાર્યુ અને તેની પાસે એક નાનું નગર સ્થાપ્યું. તે નગર ગુરૂ કા ચક, ચક રામ દાસ અને રામ દાસપુરા તરીકે ઓળખાયું.

શીખ ધર્મના પાંચમા ગુરૂ અર્જુન દેવજીએ (1581-1606) આ મંદિરનો વધુ વિસ્તાર કર્યો. ડિસેમ્બર 1588માં ગુરૂ અર્જન દેવજીના મિત્ર એવા લાહોરના સૂફી હઝરત મીયાં મીરજીએ મંદિર નિર્માણનો પાયાનો પત્થર મૂક્યો.

1601માં સ્વર્ણ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થયું. 13 એપ્રિલ 1634ના દિવસે મોગલ સેનાએ અહીં ગુરૂ હરગોબિંદ સાહેબ પર હુમલો કર્યો. મોગલ સેનાએ અનેક વખત અમૃતસર જીતવા પ્રયત્ન કર્યો. પાછળથી અહેમદ શાહ અબ્દાલીના નેતૃત્વ હેઠળ અફઘાનીઓએ હુમલો કરીને સ્વર્ણ મંદિરને નુક્શાન પહોંચાડતા

1760ના દાયકામાં તેનું પુનરોત્થાન કરવામાં આવ્યું. બ્રિટીશ શાસનકાળ દરમિયાન સપ્ટેમ્બર 1915માં હરિમંદિરના લીધે અંગ્રેજ સરકારે અમૃતસરને પવિત્ર શહેરનો દરજ્જો આપ્યો.

સ્વર્ણ મંદિરની ચારે તરફ પવિત્ર જળનું સરોવર આવેલું છે. મંદિરના કુલ ચાર દરવાજા છે. જે શ્રદ્ધાળુઓને કોઈપણ દિશામાંથી પ્રવેશવાના પ્રતીકરૂપે બનાવવામાં આવ્યા છે. હરિમંદિરના દ્વાર દરેક ધર્મ, જાતિ, સંપ્રદાયના લોકોને આવકારે છે. હરિમંદિરના આ નિયમને વિશ્વભરના ગુરૂદ્વારાઓમાં અનુસરવામાં આવે છે.

હરિમંદિરમાં પ્રવેશવા ઈચ્છતા દરેક વ્યક્તિએ ઈશ્વરને સન્માન આપવાના પ્રતીક સ્વરૂપે માથું કોઈ કપડાથી ઢાંકવાનું રહે છે અને તેના પરિસરમાં આવેલા પાણીના સરોવરમાં પગ ધોવા અનિવાર્ય છે.

હાલનું બાંધકામ પંજાબના રાજા રણજીત સિંહના માર્ગદર્શન હેઠળ 1800ના દાયકામાં કરવામાં આવ્યું. 1982માં નિર્મિત ગાંધી ફિલ્મ, 2004માં નિર્મિત ફિલ્મ બ્રાઈડ એન્ડ પ્રિજ્યુડાઈસ અને 2006માં નિર્મિત ફિલ્મ રંગ દે બસંતીના કેટલાક દ્રશ્યોનું શૂટીંગ સ્વર્ણ મંદિરમાં કરવામાં આવ્યું હતું. તે સિવાય 2004માં બીબીસી દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ હિમાલયમાં પણ સ્વર્ણ મંદિર દર્શાવવામાં આવ્યું હતું.

1997માં ઈંગ્લેન્ડના મહારાણી ક્વીન એલીઝાબેથ દ્વિતીય અને પ્રિન્સ ફિલીપ, 2002માં કેનેડાના વિદેશ મંત્રી જ્હોન મેનલી, 2003માં કેનેડાના પૂર્વ વડાપ્રધાન જીઆન ક્રેટીયન, 2004માં ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ અને રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ તેમજ 2005માં બ્રિટનના ફોરેન સેક્રેટરી જેક સ્ટ્રો જેવા મહાનુભાવોએ પણ સ્વર્ણ મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા.

શીખ ધર્મના તહેવારો દરમિયાન સ્વર્ણ મંદિરમાં સરેરાશ દશ થી વીસ લાખ જેટલા લોકો દર્શનાર્થે આવે છે. શીખ ધર્મના લોકો જીવનમાં ક્યારેક ને ક્યારેક સ્વર્ણ મંદિરના દર્શન કરવાની શુભેચ્છા રાખે છે.