Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (17:42 IST)
આણંદની બે દિકરીઓએ એશિયન યોગા ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો
તાજેતરમાં થાઈલેન્ડ ખાતે યોજાયેલી 7th એશિયન યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2016માં બે યોગા ચેમ્પિયન ગુજરાતી બહેનો જલ્પા કાછીયા તથા જિનીશા કાછીયાએ ગોલ્ડ જીતી ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું છે. થાઈલેન્ડના પતાયા ખાતે યોજાયેલી ચેમ્પિયનશીપમાં જલ્પા તથા જિનીશાએ આર્ટીસ્ટીક પેર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત પણ જલ્પાએ ઈનડિવ્યુડિયલ તથા આર્ટીસ્ટીક સિંગલ કેટેગરીમાં 1-1 ગોલ્ડ તથા જિનીશાએ 1-1 સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આમ જલ્પાએ કુલ ત્રણ ગોલ્ડ તથા જિનીશાએ એક ગોલ્ડ તથા બે સિલ્વર મેડલ જીત્યા હતા. માત્ર છ વર્ષની ઉંમરથી યોગ કરતી જલ્પાએ 23 વર્ષની ઉંમરથી સુધીમાં 6 ઈન્ટરનેશનલ, આઠ નેશનલ તથા સાત સ્ટેટ લેવલ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ 7 ગોલ્ડ, આઠ સિલ્વર તથા છ બ્રોન્ઝ મેડલ તથા 23 ટ્રોફી જીતી ચૂકી છે. જલ્પાએ જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં ભાગ લેવા સ્પોન્સર્સની મદદ લેવી પડે છે. જો આ વખતે તેને સ્પોન્સર્સની મદદ ન મળી હોત તો તે ચેમ્પિયનશીપમાં ભાગ લઈ શકત નહીં. સરકાર જો મદદ કરે તો ભારતના યોગા ચેમ્પિયન્સ વિશ્વના તમામ પ્રતિસ્પર્ધીઓને હરાવી શકવાની ક્ષમતા ધરાવે છે. તેના આગામી લક્ષ્ય અંગે જલ્પાએ જણાવ્યું કે, તેની ઈચ્છા 12 કલાક 'ભૂમાસન' કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની છે અને તેની માટે તે મહેનત કરી રહી છે.