સુરતના સચિન વિસ્તારમાં જન્મ દિવસ અંતિમ યાદ બન્યો, આઠ વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જતાં મોત
eight-year-old child died after drowning in a lake
સુરતના સચિન વિસ્તારમાં બર્થ ડેના બીજા જ દિવસે દીકરો મોતને ભેટતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મિત્રો સાથે દીકરો રમવા ગયો હતો અને તળાવમાં ન્હાવા પડતાં તે ડૂબવા લાગ્યો હતો. જેથી તેના મિત્રોએ બુમાબુમ કરી મુકી હતી. ત્યારે આસપાસ કામગીરી કરતાં લોકોએ દોડી આવીને તેને તળાવમાંથી બહાર કાઢ્યો હતો અને 108ને જાણ કરી હતી. 108એ બાળકને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ ફાટી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના સચિન GIDC વિસ્તારમાં મુળ ઝારખંડનો પરિવાર રહે છે. મૃતક બાળકના પિતા ધીરજકુમાર લૂમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના નાના દીકરા નીતેશનો બે દિવસ પહેલાં જન્મ દિવસ હતો. નીતેશ સાંજે તેના મિત્રો સાથે રમવા ગયો હતો અને કંસાડ ગામ પાસે આવેલા તળાવમાં તમામ મિત્રો ન્હાવા પડ્યા હતાં. આ દરમિયાન નીતેશ ડૂબવા લાગતાં તેના મિત્રોએ બૂમાબૂમ કરી હતી. બૂમો સાંભળીને રેલવેની કામગીરી કરતાં લોકો દોડી આવ્યા હતાં અને નીતેશને પાણીમાંથી બહાર કાઢીને 108ને જાણ કરી હતી. 108એ ઘટના સ્થળે પહોંચીને નીતેશને ચકાસી મૃત જાહેર કર્યો હતો. આ દરમિયાન નીતેશના પરિવારને જાણ થતાં જ તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યાર બાદ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ મામલે સચિન GIDC પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.