બંગાળી વાનગી - પાર્ટીશાપ્ટા (કોકોનટ રોલ)
પાટીશાપ્ટા બંગાળની સૌથી પ્રસિદ્ધ મીઠાઈઓમાંથી એક ગણાય છે જે ખાસરૂપે દુર્ગા પૂજામાં બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ મીઠાઈનો સ્વાદ સમગ્ર વિશ્વમાં પ્રસદ્ધ છે. આ મીઠાઈની એક સૌથી ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે કોઇ વિશેષ સામગ્રીઓની જરૂર નથી પડતી. પાટીશાપ્ટા બનાવવા માટે નારિયેળનો પ્રયોગ થાય છે માટે તેને તમે કોકોનટ રોલ કહીને પણ બોલાવી શકો છો. આવો જાણીએ પાટીશાપ્ટા મીઠાઈ બનાવવાની રીત.સામગ્રી - 3 કપ ચોખા, 2 કપ ગોળ, 2-3 કપ નારિયેળ પાવડર, 3 ચમચી ઇલાયચી પાવડર, અડધો કપ તેલ કે ઘી. બનાવવાની રીત - સૌ પ્રથમ ચોખાને એક રાત પહેલા પાણી અને 3/4 કપ ગોળ નાંખીને મિક્સ કરી પલાળી રાખો. ત્યારબાદ બીજા દિવસે તેને મિક્સીમાં થોડું પાણી નાંખી બારીક પીસી લો અને બાજુએ મૂકી દો. ધ્યાન રહે કે આ પેસ્ટ ઘટ્ટ રહે. હવે એક કઢાઇ લો અને તેમાં 1 કપ પાણી તથા ગોળ નાંખો. આને સારી રીતે ઓગળવા દો અને જ્યારે આ પેસ્ટ ઘટ્ટ થઇ જાય ત્યારે તેમાં પીસેલું નારિયેળ અને ઇલાયચી પાવડર નાંખો. આને ગેસની આંચ પર ત્યાંસુધી ગરમ થવા દો જ્યાંસુધી મિશ્રણ ઘટ્ટ ન થઇ જાય અને પછી કઢાઈને ઉતારી લઇ મિશ્રણ ઠંડુ થવા મૂકી દો. હવે એક તવીને ગેસ પર ગરમ થવા મૂકી તેમાં થોડું તેલ કે ઘી નાંખો અને તેના પર ચોખાનું તૈયાર કરેલું અડધો કપ મિશ્રણ નાંખો અને ફેલાવી દો. આને ધીમી આંચે રાખો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઇ જાય ત્યારે તેની વચ્ચે નારિયેળ અને ઇલાયચી પાવડરનું મિશ્રણ નાંખો અને તેને રોલ કરી દો. આ રીતે બાકીના મિશ્રણમાંથી પણ પાટીશાપ્ટા મીઠાઈ બનાવી તૈયાર કરો.