બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. યૂનિયન બજેટ 2024
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 23 જુલાઈ 2024 (16:22 IST)

કેન્દ્રીય બજેટમાં ગુજરાતની MSME અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ફાયદો, ટેક્સટાઈલને કંઈ ના મળ્યું

Gujarat's MSME and diamond industry benefited in the Union Budget, textiles got nothing
Gujarat's MSME and diamond industry benefited in the Union Budget, textiles got nothing
 આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે વધાવ્યું છે. નાણાંમંત્રીએ રજૂ કરેલા બજેટથી MSME અને ડાયમંડ ઉદ્યોગમાં ખુશી જોવા મળી છે. જ્યારે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને ખાસ કશુ નહીં મળતાં નિરાશા વ્યાપી છે.પર્સનલ ટેક્સ અને GSTમાં રાહત મળતા રાજ્યના ઈન્ડસ્ટ્રી એસોસિએશન્સે બજેટને સમતોલ કહી આવકાર્યું છે. મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ લખીને બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે.
 
ગુજરાતની ઇકોનોમીને આગળ લઈ જવામાં ખૂબ મદદ મળશે
GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે બજેટ અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમે નાણામંત્રીને અગાઉ ગુજરાતના MSME અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટેની ખાસ રજૂઆત કરી હતી. અમારી રજૂઆતને સ્વીકારવામાં આવી છે. MSMEને રાહત મળી છે અને પ્રોત્સાહન મળ્યું છે. જેનાથી ગુજરાતની ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે અને ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદા મળ્યા છે. જેમાં રોજગારીની તક પણ વધશે. આ રીતે ગુજરાતની ઇકોનોમીને આગળ લઈ જવામાં ખૂબ મદદ મળશે.
 
નાના દેશ અને શહેરોને પણ આનાથી વેગ મળી શકે છે
સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ પણ મીડિયાને જણાવ્યું હતું કે, ઇન્કમટેક્સના સ્લેબમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનાથી સામાન્ય પ્રજાને ફાયદો મળશે. લોજિસ્ટિક ખૂબ જ સસ્તુ અને સરળ રહે તે ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે. લોજિસ્ટિક માટે ખૂબ સારું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ બજેટમાં 12 ઔદ્યોગિક પાર્ક બનાવવાનું આયોજન છે. તેનાથી સુરતને પણ લાભ મળી શકે છે. ઈ-કોમર્સના હબને વિકસિત કરવાના કારણે એક્સપોર્ટ વધી શકે છે. નાના દેશ અને શહેરોને પણ આનાથી વેગ મળી શકે છે. 
 
મુખ્યમંત્રીએ નિવાસ સ્થાનેથી બજેટનું જીવંત પ્રસારણ નિહાળ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટનું  જીવંત પ્રસારણ ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાનેથી નિહાળ્યું હતું. ત્યાર બાદ તેમણે એક્સ પર પોસ્ટ લખી હતી કે, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવવાની દિશામાં આ બજેટ ખૂબ મહત્ત્વનું સાબિત થશે. મોદી સરકાર 3.0 નું આ પ્રથમ બજેટ NDA એ લોકસભા ચૂંટણીમાં આપેલા વચનોને નિભાવીને ભારતના 140 કરોડ નાગરિકોની આશાઓ- અપેક્ષાઓ અને સપનાઓની પરિપૂર્તિ કરનારું છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સામર્થ્યને ઉજાગર કરતી વિવિધ યોજનાઓ આ બજેટમાં રજૂ કરવામાં આવી છે.
 
આ નીતિ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં નવી ચેતના ભરશે
તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં સહકાર ક્ષેત્રના સર્વાંગીણ વિકાસ માટે રાષ્ટ્રીય સહકાર નીતિની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં નવી ચેતના ભરશે.શહેરોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના વધુ એક કરોડ પરિવારોને મળશે પોતાના સપનાનું ઘર. કેન્દ્રીય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ આવનારા 5 વર્ષ માટે રૂ. 2.2 લાખ કરોડની કેન્દ્રીય સહાયની જોગવાઈ કરવામાં આવી છે. અનેક પરિવારોને માત્ર ઘરની નહિં, ખુશીઓની ચાવી મળવાની છે.