સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2024 (13:40 IST)

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11.5 ઈંચ

rain in gujarat
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા જમાવટ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પોરબંદર, જૂનાગઢ બાદ દ્વારકા પંથકમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી. દ્વારકા પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આપેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જે બાદ જૂનાગઢના માણાવદરમાં પણ સવા 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત વિસાવદરમાં નવ ઈંચ, સુરતના પલસાણામાં પોણા આઠ ઈંચ, કેશોદમાં પણ પોણા આઠ ઈંચ, સુરતના બારડોલીમાં સવા સાત ઈંચ, વલસાડના કપરાડામાં સાત ઈંચ, દ્વારકા તાલુકામાં તથા વાપી તાલુકામાં સાડા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત માળિયા હાટિનામાં સવા છ ઈંચ, ચીખલી, કામરેજ અને ઉપલેટામાં છ-છ ઈંચ, પારડી, ખેરગામ અને ઉમરગામમાં પોણા છ ઈંચ, રાણાવાવ અને વલસાડમાં સાડા પાંચ ઈંચ, ગીર ગઢડામાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના માંડવીમાં, કુતિયાણામાં પાંચ-પાંચ ઈંચ, નવસારી શહેરમાં, કોડીનારમાં, સુરત શહેરમાં સાડા ચાર ઈંચ વરસાદ તથા જૂનાગઢ શહેર અને જિલ્લામાં સવા ચાર ઈંચ, મુન્દ્રા અને પોરબંદરમાં પણ સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર, વંથલી, જલાલપોર, ઉમરપાડા, મેંદરડા, જૂનાગઢના માંગરોળમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.આજે રાજ્યના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત રાજ્યના 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.