Ayushman Card Online: નવું કાર્ડ બનાવવા અને ડાઉનલોડ કરવા માટેના સરળ સ્ટેપ્સ
આયુષ્યમાન ભારત યોજના (PM-JAY) એ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક પરિવારને પ્રતિ વર્ષ ₹૫ લાખ સુધીની મફત અને કેશલેસ સરકારી તથા માન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવવાનો અધિકાર મળે છે. આયુષ્યમાન કાર્ડ મેળવ્યા બાદ દર્દીને ગંભીર બીમારીઓ, મોટા ઓપરેશન, આઈસીયુ (ICU) ચાર્જ, દવાઓ અને લેબોરેટરી તપાસ જેવા હોસ્પિટલના તમામ ખર્ચમાંથી મુક્તિ મળે છે. ટૂંકમાં, આ કાર્ડ ગરીબ અને સામાન્ય પરિવારો માટે માતબર તબીબી ખર્ચ સામે એક મજબૂત સુરક્ષા કવચ સમાન છે, જે મોંઘી સારવારના આર્થિક બોજથી પરિવારને બચાવે છે.
આયુષ્યમાન કાર્ડ કોણ બનાવી શકે? (પાત્રતા)
આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના પરિવારો કે વ્યક્તિઓ પાત્ર ગણાય છે:
આવક મર્યાદા મુજબ: જે પરિવારની વાર્ષિક આવક નિયત સરકારી મર્યાદા (રૂ. ૪ લાખ સુધી) ની અંદર હોય અને તેમની પાસે સક્ષમ અધિકારીશ્રી (મામલતદાર) નો આવકનો દાખલો હોય.
રેશન કાર્ડ ધારકો: રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) હેઠળ આવતા લાલ કે કાચું (પ્રાથમિકતા ધરાવતા) રેશન કાર્ડ ધારકો.
૭૦ વર્ષ કે તેથી વધુ વયના સીનિયર સિટીઝન: નવી નીતિ મુજબ ૭૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ વૃદ્ધો (કોઈપણ આવક મર્યાદા વગર) આ યોજના માટે પાત્ર છે.
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો: ઈ-શ્રમ કાર્ડ અથવા બાંધકામ શ્રમિક યોજના (BoCW) હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમનો પરિવાર.
SECC ૨૦૧૧ ડેટાબેઝ: જે પરિવારોનું નામ સામાજિક, આર્થિક અને જાતિ ગણતરી (SECC-2011) ની યાદીમાં સમાવેષ્ટ હોય.
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો (Documents Required)
અરજી કરતી વખતે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહે છે:
ઓળખનો પુરાવો: પરિવારના તમામ સભ્યોનું આધાર કાર્ડ (આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો હિતાવહ છે).
પરિવારનો પુરાવો: રેશન કાર્ડ (મામલતદાર કચેરી/ઝોનલ ઑફિસ દ્વારા સત્યાપિત).
આવકનો પુરાવો: સક્ષમ અધિકારીશ્રી (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી) નો ચાલુ વર્ષનો આવકનો દાખલો.
સીનિયર સિટીઝન માટે (૭૦+ વર્ષ): માત્ર આધાર કાર્ડ અને ઉંમરનો પુરાવો.
સંપર્ક વિગત: ચાલુ મોબાઈલ નંબર (OTP ચકાસણી માટે).
આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન અરજી અને ડાઉનલોડ કરવાની રીત
હવે કોઈપણ નાગરિક પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા ઘેરબેઠા જ આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરી શકે છે અને ડાઉનલોડ પણ કરી શકે છે.
ઓફિશિયલ પોર્ટલ અથવા એપ પર જાઓ
સૌપ્રથમ તમારા મોબાઈલ/કમ્પ્યુટરમાં beneficiary.nha.gov.in પોર્ટલ ખોલો અથવા પ્લેસ્ટોર પરથી 'Ayushman App' ડાઉનલોડ કરો.
Beneficiary તરીકે લોગિન કરો
હોમપેજ પર "Beneficiary" વિકલ્પ પસંદ કરો. તમારો ચાલુ મોબાઈલ નંબર નાખીને Verify પર ક્લિક કરો અને મોબાઈલ પર આવેલો OTP તેમજ Captcha કોડ નાખીને લોગિન કરો.
પરિવારની વિગતો શોધો (Search)
લોગિન થયા બાદ તમારું રાજ્ય (Gujarat), સ્કીમ (PMJAY), જિલ્લો અને શોધવાનો આધાર પસંદ કરો (જેમ કે Aadhaar Number અથવા Ration Card Number). ત્યારબાદ તમારો નંબર નાખીને Search પર ક્લિક કરો.
ઈ-કેવાયસી (e-KYC) પ્રક્રિયા પૂર્ણ કરો
યાદીમાં તમારા પરિવારના તમામ સભ્યોના નામ દેખાશે.
જે સભ્યનું કાર્ડ બનાવવાનું હોય તેના નામ સામે e-KYC અથવા Action પર ક્લિક કરો.
Aadhaar OTP અથવા Face Auth (ફેસ સ્કેન) વિકલ્પ પસંદ કરી ચકાસણી કરો.
ફોટો અપલોડ કરો અને સબમિટ કરો
તમારો પાસપોર્ટ સાઈઝનો લાઈવ ફોટો કેપ્ચર/અપલોડ કરો અને માંગવામાં આવેલી માહિતી ચકાસીને Submit પર ક્લિક કરો. અરજી સબમિટ થતાં જ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થશે.
આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો
ઓથોન્ટિકેશન મંજૂર (Approved) થતાં જ નામની સામે લીલા રંગમાં "Approved" લખેલું આવશે. તેની બાજુમાં આપેલા Download Card આયકન પર ક્લિક કરી તમારા આયુષ્યમાન કાર્ડની PDF ફાઈલ ડાઉનલોડ કરી લો.
