1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Police Guidelines for Navratri

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, આયોજકો માટે 44 કડક નિયમો જાહેર

Police Guidelines for Navratri
Police Guidelines for Navratri
અમદાવાદમાં નવરાત્રીના તહેવારને લઈને ગરબા રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે તંત્ર દ્વારા કડક રૂપે પોલીસના 44 નિયમોની યાદી જાહેર કરવામાં આવી છે. આ નિયમોનું પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી અને શેરી ગરબાના તમામ આયોજકોએ ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

 
શહેરમાં તા. 11થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનાર નવરાત્રી મહોત્સવમાં માઈક સિસ્ટમ અને લાઉડ સ્પીકરનો ઉપયોગ માત્ર રાત્રે 12 વાગ્યા સુધી જ કરી શકાશે. રાત્રે 12 વાગ્યા બાદ અચાનક માઈકનો અવાજ બંધ થઈ જશે અને નોઈઝ પોલ્યુશનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
 

પોલીસ કમિશનરનું સત્તાવાર જાહેરનામું

 
આ અંગે પોલીસ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે નિયમોનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. આ ઉપરાંત હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસના સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
 

પરવાનગી માટે વિશેષ વ્યવસ્થા અને વહેંચણી

 
જાહેર કરાયેલા 44 નિયમોમાંથી 12 નિયમો પરવાનગી માટે અને 32 નિયમો વ્યવસ્થા માટે નક્કી કરાયા છે. બિનવ્યાવસાયિક સોસાયટી અને શેરી ગરબા માટે મંજૂરી સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ આપશે, જ્યારે ટિકિટ કે પાસ આધારિત પાર્ટી પ્લોટ અને ક્લબના આયોજનો માટે એસીપી (ટ્રાફિક) દ્વારા પરવાનગી અપાશે.
 

સુરક્ષા અને વ્યવસ્થા માટે 'મેન્ટર'ની નિયુક્તિ

 
શેરી અને સોસાયટી ગરબાના આયોજકોએ ફરજિયાતપણે બે મેન્ટરની નિમણૂક કરવાની રહેશે. સાથે જ પોલીસ સ્ટેશનમાંથી પણ એક અધિકારી કે કર્મચારીને મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે, જેઓ આયોજકો સાથે સતત સંકલનમાં રહેશે.

મહિલા સુરક્ષા અને કેફી દ્રવ્યો પર પ્રતિબંધ

 
પોલીસ અને પબ્લિકના આ મેન્ટરો ગરબાના સ્થળે લોકોની સુરક્ષા, ખાસ કરીને મહિલા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને કોઈ વ્યક્તિ કેફી દ્રવ્યોનું સેવન કરીને પ્રવેશ ન કરે તેની ખાસ કાળજી રાખશે. આયોજકોએ ઉત્સાહની સાથે આ તમામ વ્યવસ્થાઓ અગાઉથી જ સુનિશ્ચિત કરવાની રહેશે.
 
આગળનો લેખ
રેપો રેટના નિર્ણય પહેલા શેરબજારમાં વધ્યો ગભરાટ, સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા, Titan-SBI Life તૂટ્યા