રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated : મંગળવાર, 26 નવેમ્બર 2024 (08:39 IST)

Indian Constitution Day : તમને કયા-કયા અધિકારો બંધારણે આપ્યા?

વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (1935)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો.
 
જોકે તેના પાયા તા. 26 નવેમ્બર 1949ના દિવસે નખાયા, જ્યારે, બંધારણસભાએ ઔપચારિક રીતે ભાર સ્વીકૃત કર્યું હતું. જેને અધીન રહીને સમગ્ર દેશમાં એક કાયદાની અંદર રહીને દરેક વ્યક્તિ કામ કરી શકે.
 
આ સાથે જ દરેક વ્યક્તિને પોતાનો મૌલિક અધિકાર પણ મળે.
 
બંધારણમાં ઘણા પ્રકારના અધિકારો અને નિયમોની ચર્ચા કરવામાં આવી છે, જેમાં મહિલાઓને પણ ઘણા અધિકાર મળ્યા છે જેના વિશે પૂરતી જાગૃતિનો અભાવ છે.
 
આ અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાત સ્થિત સામાજીક કાર્યકર સોનલ જોશી સાથે વાત કરી તો તેમણે કહ્યું:
 
"સમાજની દીકરીઓને બંધારણમાં તેમને કેટલા હક મળેલા છે તે અંગે ખબર જ નથી."
 
"જો તેમને પોતાનાં હક અંગે જાણકારી પણ છે તો તેઓ હક માટે લડવા હિંમત કરીને આગળ આવતી નથી."
 
"બંધારણમાં મહિલા અને પુરુષ બન્નેને એકસમાન અધિકાર મળ્યા છે. પણ સમાજમાં મહિલાને એકસમાન અધિકાર મળતા નથી."
 
"બંધારણે મહિલાને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. પણ એ સ્વતંત્રતા મહિલાને ક્યારેય મળી નથી. આજે હોય કે પહેલા, સ્ત્રીને હંમેશાં સંકુચિત રીતે જ રાખવામાં આવી છે."
 
"સ્ત્રીને હંમેશાં ઘરના કામ માટે જ જોવામાં આવે છે. જો એક મહિલા બહાર નોકરી કરતી હોય, તો પણ ઘરનું કામ તેને કરવાનું રહે જ છે. તે ક્યારેય પુરુષની જવાબદારીમાં આવતું નથી."
 
સોનલ જોશીના પ્રમાણે ઘણા એવા હક મહિલા પાસે છે, જેની જાણ હોવા છતાં તેનું અમલીકરણ થતું નથી.
 
1. સમાનતાનો અધિકાર
 
સોનલ જોશી કહે છે, "જો વાત વેતન કે મજૂરીની હોય તો લિંગના આધારે કોઈ સાથે ભેદભાવ કરી શકાતો નથી. કોઈ કંપની પુરુષ કે મહિલા જોઈને વેતન નક્કી કરી શકતી નથી."
 
"પણ આપણા સમાજમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માંડીને દરેક ક્ષેત્રે મહિલાને પુરુષ જેટલું વેતન મળતું નથી."
 
2. કલમ 354
 
મહિલાઓ સાથે થતી છેડતી કે શોષણ મામલે જ્યારે કાયદાકીય મામલો નોંધાય છે, તો પોલીસ આ મામલાઓમાં આરોપી વિરુદ્ધ ધારા 354 અંતર્ગત કેસ દાખલ કરે છે.
 
સોનલ જોશી કહે છે, "મહિલાઓ ધારા 354 અંગે એટલું જાણતી નથી. જો કોઈ વ્યક્તિ મહિલાને ખરાબ નજરે જુએ છે, અથવા તો સોશિયલ મીડિયા પર ખોટી રીતે હેરાન કરે છે, તેમનો પીછો કરે છે તો તેવી વ્યક્તિ વિરુદ્ધ મહિલા કેસ દાખલ કરી શકે છે."
 
"આ ધારા અંગે ઘણી મહિલાઓને ખબર પણ છે છતાં તેઓ તેનો ઉપયોગ કરતી નથી. સમાજ શું કહેશે, મારા માતાપિતા શું વિચારશે તેવું વિચારીને મહિલા પોલીસ સ્ટેશન જવાનું અને પોતાને મળેલા હકનો ઉપયોગ કરવાનું પસંદ કરતી નથી."
 
"મહિલા પાસે એવો અધિકાર પણ છે કે જો કોઈ તેમની પરવાનગી વગર તસવીર ક્યાંક પોસ્ટ કરી દે અથવા તો તેનો દુરુપયોગ કરે તો તેના વિરુદ્ધ કેસ કરી શકે છે."
 
વડા પ્રધાનની મુખ્ય મંત્રીઓ સાથે બેઠક, કોરોનાની રસીને લઈને શું છે સરકારનો પ્લાન?
 
3. પૈતૃક સંપતિ પર હક
 
મહિલાને પૈતૃક સંપત્તિમાં પુરો અધિકાર મળેલો છે. પિતાના મૃત્યુ બાદ તેમની દીકરીને પણ સંપત્તિમાં એટલો ભાગ મળે છે, જેટલો દીકરાને મળે છે.
 
આ અધિકાર લગ્ન બાદ પણ મહિલા પાસે રહે છે.
 
સોનલ જોશી કહે છે, "આ અંગે પણ મહિલાઓને વધુ જાણકારી નથી."
 
"જે મહિલાને ખબર છે તે હક મેળવવા માગે છે કે નહીં, તે તેના પર નિર્ભર કરે છે. કેમ કે દીકરી હંમેશાં લેવાની નહીં, પણ આપવાની વાત કરતી હોય છે."
 
"બીજી તરફ મહિલાઓને એમ પણ કહી દેવામાં આવે છે કે તેમનાં લગ્ન કરાવી દેવામાં આવ્યા, મામેરું આપ્યું, પણ તે બધી વસ્તુમાં મહિલાને સંપત્તિનો સમાન અધિકાર મળી જાય છે એવું નથી હોતું."
 
4. તલાક બાદ પત્નીને વળતર
 
મહિલાની તસવીર
જો કોઈ મહિલા તેના પતિ પાસેથી તલાક લે છે, તો પતિએ તેને ભરણપોષણ આપવું પડે છે.
 
સોનલ જોશી કહે છે, "જો મહિલાને પતિ તરફથી ભરણપોષણ મળતું નથી તો તે કેસ કરી શકે છે."
 
"આ કેસમાં મહિલાના પતિની સંપત્તિ જપ્ત થઈ શકે છે. પતિની માલિકીની વસ્તુઓને સીલ કરી તેમાંથી ભરણપોષણ આપી શકાય છે."
 
"જોકે, આ સ્તર પર મહિલાઓ ઍક્શન લેતી નથી અથવા તો તેનું અમલીકરણ થતું નથી."
 
5. લિવ-ઇન રિલેશનશિપમાં પ્રૉટેક્શન લૉ
 
લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાને ઘરેલું હિંસા કાયદા અંતર્ગત પ્રૉટેક્શનનો હક મળેલો છે.
 
સોનલ જોશીના જણાવ્યા અનુસાર, "લિવ-ઇન રિલેશનશીપમાં એક મહિલા અને પુરુષના લગ્ન જેવા સંબંધ હોય છે."
 
"મહિલા અને પુરુષ બન્ને એક ઘરમાં રહેતા હોય અને જો પુરુષ મહિલાનું શારીરિક કે માનસિક રીતે શોષણ કરે છે તો તેમના વિરુદ્ધ મહિલા ફરિયાદ નોંધાવી શકે છે."
 
લિવ ઇનમાં રહેતા 'રાઇટ-ટુ-શેલ્ટર' પણ મળે છે. એટલે કે જ્યાં સુધી લિવ-ઇન રિલેશનશિપમાં મહિલા છે, તેમને કોઈ ઘરમાંથી બહાર કાઢી શકતું નથી.
 
6. કામના સ્થળે શોષણ
 
કામના સ્થળે પણ મહિલાઓને ઘણા પ્રકારના અધિકાર મળેલા છે. શારીરિક શોષણથી બચાવવા માટે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન્સ પણ નક્કી કરી હતી.
 
સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ સરકારી તેમજ પ્રાઇવેટ ઑફિસમાં પણ લાગુ પડે છે.
 
કંપની અથવા તો અન્ય જવાબદાર નાગરિકની આ ડ્યૂટી છે કે તેઓ શારીરિક શોષણને અટકાવે.
 
સોનલ જોશી કહે છે, "જ્યાં બે કરતાં વધારે મહિલા કામ કરતી હોય ત્યાં દરેક કંપનીએ ઇન્ટરનલ કમ્પલેઇન્ટ કૉમ્યુનિટી બનાવવી જરુરી છે."
 
"જ્યાં મહિલા જો પોતાની સાથે શારીરિક શોષણ થયું હોય તો ફરિયાદ નોંધાવી શકે છે. આ સિવાય મહિલા પોલીસની મદદ પણ લઈ શકે છે."
 
શારીરિક શોષણની વ્યાખ્યામાં છેડતી, ખરાબ નિયત સાથે અડકવું, મહિલા સહકર્મી સાથે આપત્તિજનક વ્યવ્હાર કરવો જેવી વર્તણૂકનો સમાવેશ થાય છે.
 
7. મૅટરનિટી લીવ
 
બંધારણે મહિલાને મૅટરનિટી લીવનો હક આપેલો છે.
 
નાની મોટી દરેક સરકારી કે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી મહિલાને મૅટરનિટી લીવ મેળવવાનો હક છે.
 
આમ છતાં આજે પણ ઘણી મહિલાઓ એવી છે કે જેઓ પોતાના હકથી અજાણ છે અથવા તો મહિલાને આ હક મળતો નથી.
 
તો જો મહિલાને કોઈ કંપની હક આપતી નથી તો તે કંપની પર મહિલા કેસ કરી શકે છે.
 
8. પોલીસ કસ્ટડીમાં મહિલા પાસે ખાસ અધિકાર
 
ગુજરાત હાઈકોર્ટના વકીલ મીના જકતાપ જણાવે છે, "ફોજદારી કાર્યરીતિ 1973 સૅક્શન 51 પ્રમાણે જો મહિલા પોલીસ ફરજ પર હોય તો અને તો જ મહિલાઓની તપાસ કે પૂછપરછ કરી શકે છે."
 
કોઈ મહિલાની સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ધરપકડ ન કરી શકાય. સિવાય કે મહિલા પોલીસ સ્થળ પર હાજર હોય અને તેમની પાસે લેખિત મંજૂરી હોય.
 
આ સિવાય મહિલાને કોઈ પણ પ્રકારની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે તો ક્રિમિનલ પ્રોસિજર કોડની સૅક્શન 160 અંતર્ગત તેઓ ઇન્કાર કરી શકે છે અને ઇચ્છે તો પોતાનાં ઘરે મહિલા પોલીસની તેમજ પરિવારની હાજરીમાં વાતચીત કરવા બોલાવી શકે છે.
 
સામાન્ય નાગરિક પણ હકથી અજાણ
 
 
આ તો થઈ મહિલાઓની વાત. પણ એક સામાન્ય નાગરિક તરીકે તમને ખબર છે કે તમારી પાસે કેવા કેવા અધિકાર છે?
 
આ અંગે બીબીસી ગુજરાતીએ સુપ્રીમ કોર્ટના વકીલ અને બંધારણના જાણકાર શાંતિ પ્રકાશ સાથે વાત કરી.
 
1. ધાર્મિક સ્વતંત્રતા
 
શાંતિ પ્રકાશ કહે છે, "ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે કોઈ પણ ધર્મને માની શકે છે."
 
"દેશ કે રાજ્યમાં કોઈ પણ એક ધર્મને પ્રધાનતા ન આપી શકાય. પ્રત્યેક વ્યક્તિ પોતાની આવક, નૈતિકતા અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડ્યા વગર ગમે તે ધર્મનું પાલન કરી શકે છે."
 
"પરંતુ આપણા દેશમાં એવું લાગતું નથી. કેમ કે દેશી સરકાર તેમજ કેટલાક રાજ્યની સરકારો માત્ર એક ધર્મને પ્રમોટ કરી રહી છે."
 
"આ રીતે તેઓ સીધી કે પરોક્ષ રીતે બંધારણનું ઉલ્લંઘન કરે છે."
 
2. કાયદા હેઠળ સમાનતા
 
શાંતિ પ્રકાશનું કહેવું છે કે ભારતમાં મોટી જનસંખ્યા એવી છે કે જે અશિક્ષિત છે, જેના તેમને પોતાના હકો અંગે જાણકારી નથી.
 
તેઓ કહે છે, "કાયદા હેઠળ સમાનતા, ધર્મ, વંશ, જાતિ, લિંગ કે જન્મ સ્થળના આધારે ભેદભાન કરી શકાતો નથી અને રોજગારના સંબંધમાં દરેકને સમાન અવસર મળવા અનિવાર્ય છે. "
 
3. શોષણ વિરુદ્ધ અધિકાર
 
શાંતિ પ્રકાશના જણાવ્યા અનુસાર, "બંધારણ અનુસાર કોઈ પ્રકારની જબરદસ્તી કરીને કરાવવામાં આવેલો શ્રમ અપરાધ છે."
 
"બંધારણમાં આર્ટિકલ 24માં એવું જણાવવામાં આવ્યું છે કે 14 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા બાળકોને કારખાના, ખાણ કે અન્ય કોઈ જોખમી નોકરીમાં રાખી શકાતા નથી."
 
"જોકે, આજે આપણે ઘણા ઢાબા, કારખાના, નાની-મોટી હૉટેલ્સમાં જોઈએ છીએ કે ત્યાં નાના નાના બાળકો કામ કરતા હોય છે."
 
4. અસ્પૃશ્યતાનો અંત
 
ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાનો અંત લાવી દેવામાં આવ્યો હતો. અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવું એ બંધારણ પ્રમાણે પ્રતિબંધિત છે.
 
શાંતિ પ્રકાશ જણાવે છે, "બંધારણમાં અસ્પૃશ્યતાનો અંત લાવી દેવાની વાત હોવા છતાં આજે દેશના ગામડાંમાં અસ્પૃશ્યતાનું ચલણ જોવા મળે છે.
 
ગામડાંમાં પહેલાં લોકોની જાતિ અંગે પૂછવામાં આવે છે અને પછી તેમની સાથે સંબંધ જોડવામાં આવે છે."
 
"અસ્પૃશ્યતાને સમર્થન આપવું તે કાયદા વિરુદ્ધ છે અને તેની સામે કેસ દાખલ થઈ શકે છે."
 
"છતાં ગામડાંમાં રહેતાં કેટલાક ગરીબ લોકો ડરેલાં હોય છે અને કોઈ પગલું ભરતાં નથી કેમ કે, તેમણે એ ગામમાં જ રહેવું હોય છે."
 
"કાયદો હોવા છતાં તેઓ પોતાની માટે લડી શકતા નથી."
 
મોદી સરકાર સરકારી કંપનીઓ કેમ વેચી રહી છે?
 
5. વ્યક્તિગત સ્વતંત્રતા
 
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે સમલૈંગિકતા પર મોટો નિર્ણય આપ્યો હતો.
 
બંધારણના આર્ટિકલ 21 અંતર્ગત એક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાનો પૂર્ણ હક મળેલો છે.
 
શાંતિ પ્રકાશ જણાવે છે, "કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદ પ્રમાણે ગમે તે વ્યક્તિ સાથે રહી શકે છે."
 
"લગ્ન કરી શકે છે અને જો આમ કરવાથી તેમને કોઈ ધમકી આપે કે ડરાવે તો તે વ્યક્તિ પોલીસમાં ફરિયાદ કરી શકે છે."
 
આ રીતે ગરીબ વધારે ગરીબ બન્યા અને અમીર વધારે અમીર
 
6. સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધિત અધિકાર - બંધારણ દ્વારા ભારતીય જનતાની સંસ્કૃતિને બચાવવા પણ પ્રયાસ કરાયો છે. અલ્પસંખ્યકોનું શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધિત હિતોની રક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે નાગરિકોના કોઈ પણ સમૂહને, જે ભારત કે તેના કોઈ પણ ખૂણામાં રહેતું હોય, તેને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર છે.
 
ધર્મના આધારે કોઈ પણ વ્યક્તિને શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવતા રોકી શકાતી નથી.
 
7. બંધારણીય ઉપચારોનો અધિકાર
ભારતીય બંધારણમાં મૌલિક અધિકારોને અતિક્રમણથી બચાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંધારણ અનુસાર સુપ્રીમ કોર્ટને મૌલિક અધિકારોના સંરક્ષક તરીકે માનવામાં આવી છે. દરેક નાગરિકને મૌલિક અધિકારોની રક્ષા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરવાનો અધિકાર છે.
 
8. સ્વતંત્રતાનો અધિકાર
 
પ્રજાતંત્રમાં સ્વતંત્રતાને જ જીવન કહેવામાં આવ્યું છે. નાગરિકોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે એ જરુરી છે કે તેમને લેખન, ભાષણ તેમજ તેમનો ભાવ વ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવે. તેમને સરકાર દ્વારા એ બાબતનું આશ્વાસન આપવામાં આવેલું છે કે તેમની દૈનિક સ્વતંત્રતાનું હનન કરવામાં આવશે નહીં