ચોથી નવેમ્બરથી ગુજરાતમાં મતદાર સુધાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.પહેલી જાન્યુઆરી, 2002ના રોજ તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીને 'કટ-ઑફ' માનીને આ વિશેષ સઘન મતદારયાદી સુધારણાની (સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન) કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં 26 લોકસભા બેઠકની 182 વિધાનસભા બેઠકો ઉપર આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આયોગનું કહેવું છે કે, "પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય" તેવા ધ્યેય સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
50 હજાર 963 બૂથ લેવલ ઑફિસર ગુજરાતમાં 5.08 કરોડ મતદારોનું મૅપિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન ચોથી ડિસેમ્બર સુધી ચાલશે.
ગુજરાતમાં SIRની કામગીરી
ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે, જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી તથા સહાયક મતદાર નોંધણી અધિકારી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
બીએલઓ દ્વારા ડૉર-ટુ-ડૉર ઍન્યુમરેશન (ગણતરી) ફૉર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતની તાજેતરની મતદાર યાદી પ્રમાણે, રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદાર નોંધાયેલા છે. જેમાંથી 3.90 કરોડ (11 નવેમ્બરની સ્થિતિ પ્રમાણે) ફૉર્મનું વિતરણ થઈ ગયું છે. ચૂંટણીપંચના કહેવા પ્રમાણે, જરૂર પડ્યે બીએલઓ ત્રણ વખત સુધી એક ઘરની મુલાકાત લઈ રહ્યા છે.
બે કરોડ 17 લાખ મતદારોનું મૅપિંગ થઈ ગયું છે. બીએલઓ મતદારો અથવા સંબંધીઓનાં નામનું મૅચિંગ કે લિંકિંગ કરવામાં મદદ કરી રહ્યા છે.
આ સાથે જ નવા મતદાર તરીકે નામ કેવી રીતે નોંધાવવું, તેના માટેની માહિતી પણ આપવામાં આવી રહી છે.
SIRમાં કેવી વિગતો માગવામાં આવી રહી છે?
બીએલઓ દ્વારા જે ફૉર્મ આપવામાં આવી રહ્યું છે, તેમાં મતદારનું નામ, તેમનાં પતિ કે પિતાનું નામ, સરનામું, વિધાનસભા ક્ષેત્રનું નામ, અનુક્રમ નંબર, ભાગનંબર અને નામ વગેરે જેવી વિગતો ભરાયેલી હોય છે.
તેની બાજુમાં મતદારનો તાજેતરનો ફોટો ચીપકાવવાનો હોય છે. આ સાથે જ બીએલઓનું નામ અને નંબર પણ આપવામાં આવે છે, જેથી કરીને મતદાર સંકલન માટે પોતાના વિસ્તારના બીએલઓ સાથે સંપર્ક સાધી શકે.
મતદારે નામ, આધારકાર્ડ (વૈકલ્પિક), મોબાઇલ નંબર, પિતા / વાલીનું નામ, પિતા કે વાલીનું મતદાર ઓળખપત્ર (જો ઉપલબ્ધ હોય તો), માતાનું નામ, માતાનું મતદાર ઓળખપત્ર (જો ઉપલબ્ધ હોય તો), જીવનસાથીનું નામ (જો લાગુ પડતું હોય તો) અને જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર (જો ઉપલબ્ધ હોય તો) જેવી વિગતો ભરવાની રહે છે.
આ સિવાય જો મતદારનું નામ છેલ્લા SIRની યાદીમાં સામેલ હોય તો, તેની વિગતો માગવામાં આવી રહી છે. જેમ કે, નામ, ઓળખપત્ર નંબર (જો ઉપલબ્ધ હોય તો), સંબંધીનું નામ, સંબંધ, જિલ્લો રાજ્યનું નામ, વિધાનસભા મતક્ષેત્રનું નામ, વિધાનસભા મતવિભાગનો નંબર, ભાગ, તથા અનુક્રમ નંબર જેવી વિગતો માગવામાં આવી રહી છે.
જો વ્યક્તિ દ્વારા કોઈ સંબંધીનું નામ આપવામાં આવે, તો તે સંબંધીનું નામ, મતદાર ઓળખપત્ર નંબર (જો ઉપલબ્ધ હોય તો), તેમની સાથે સંબંધ, જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા મતક્ષેત્રનું નામ, વિધાનસભા મતવિભાગનો નંબર, ભાગ, તથા અનુક્રમ નંબર જેવી આપવાની રહેશે.
...તો એક વર્ષની જેલની જોગવાઈ
ફૉર્મની સાથે વ્યક્તિએ એક બાંહેધરી આપવાની હોય છે કે તેણે અથવા તો જે પરિવારજનની ખાતરી આપી રહ્યા છે, તેમણે અન્ય કોઈ દેશનું નાગરિકત્વ લીધું નથી.
જેનું નામ સામેલ કરવા માટે અરજી કરવામાં આવી છે, એ વ્યક્તિ તેનું કુટુંબીજન છે તથા અન્ય કોઈ મતવિસ્તારમાં તેનું નામ નોંધાયેલું નથી.
આ અંગે જો વ્યક્તિ દ્વારા ખોટી કે ગેરમાર્ગે દોરતી રજૂઆત કરવામાં આવે તો તે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની (1950નો અધિનિયમ ક્રમાંક 43) કલમ 31 હેઠળ દંડનીય અપરાધ છે. જેના ભંગ બદલ એક વર્ષની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે.
આ સાથે વ્યક્તિએ પોતાની સહી કે અંગૂઠો કરવાનો રહે છે. જો વ્યક્તિ સંબંધી વતી કરી રહી હોય તો તેની સાથેના સંબંધનની સ્પષ્ટતા પણ કરવાની રહે છે.
આ સાથે જ બીએલઓએ પણ બાંહેધરી આપવાની હોય છે કે મતદાર (કે અરજદાર) દ્વારા આપવામાં આવેલી માહિતી તેણે છેલ્લી સુધારેલી મતદાર યાદીમાં ચકાસી છે.
કઈ વ્યક્તિને કેવા દસ્તાવેજોની જરૂર
જેમનું નામ ગત મતદારયાદી સુધારણા (પહેલી જાન્યુઆરી 2002) પહેલાં મતદારયાદીમાં હતું, તેઓ અહીં પોતાનું નામ અહીં ચકાસી શકે છે. આ સિવાય અહીં ઑનલાઇન નોંધણી પણ થઈ શકે છે.
તમારો જન્મ 1 જુલાઈ, 1987 પહેલાં થયો હોય તો તમારે જન્મતારીખ અથવા જન્મસ્થળના સ્વપ્રમાણિત પુરાવા ફરજિયાત સોંપવા પડશે.
જો 1 જુલાઈ, 1987થી 2 ડિસેમ્બર 2004 વચ્ચે જન્મ થયો હોય તો મતદાર અને તેના પિતા અથવા માતાના સ્વપ્રમાણિત ડૉક્યુમેન્ટ સોંપવા પડશે જેમાં જન્મ તારીખ અથવા જન્મના સ્થળ દર્શાવેલા હોય.
બીજી ડિસેમ્બર, 2004 પછી જન્મ થયો હોય તેવા મતદારે જન્મતારીખ અને જન્મસ્થળના પુરાવા તથા માતા અને પિતાના જન્મતારીખ અને જન્મસ્થળના સ્વપ્રમાણિત ડૉક્યુમેન્ટ સોંપવાના રહેશે.
જો આવેદકનો જન્મ વિદેશમાં થયો હોય તો ત્યાંના ભારતીય મિશન દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર. જો આવેદકે ભારતનું નાગરિકત્વ ગ્રહણ કર્યું હોય તો તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
એસઆઈઆર માટે કયા ડૉક્યુમેન્ટ સ્વીકારાશે?
એસઆઈઆર માટે જે ડૉક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે તેની યાદી આ પ્રમાણે છેઃ
સરકારી કર્મચારીનું ઓળખ પત્ર અથવા પેન્શન ઑર્ડર
સરકાર કે જાહેર ક્ષેત્રના સંગઠન દ્વારા ઈશ્યૂ કરાયેલું (1987 અગાઉનું) ઓળખપત્ર અથવા ડૉક્યુમેન્ટ
સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર
પાસપૉર્ટ
શાળા, યુનિવર્સિટી અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર (મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ)
કાયમી સરનામાનું પ્રમાણપત્ર
વન અધિકારનું પ્રમાણપત્ર
જાતિનું પ્રમાણપત્ર (ઓબીસી, એસસી, એસટી)
આધાર કાર્ડ
રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકારી સંસ્થાનું ફેમિલી રજિસ્ટર
સરકારે જમીન/મકાનની ફાળવણી કરી હોય તેનો પુરાવો
નાગરિકોનું નૅશનલ રજિસ્ટર (જ્યાં લાગુ પડતું હોય ત્યાં)
ચૂંટણીપંચે તાજેતરમાં કરેલી જાહેરાત પ્રમાણે ચોથી નવેમ્બરથી ઘરેઘરે જઈને સરવે કરવામાં આવશે. આ પ્રક્રિયા ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, આંદામાન નિકોબાર, પુડ્ડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું છે કે એસઆઈઆરની જરૂરિયાત અંગે ઘણા અગાઉથી ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ દરેક ચૂંટણી અગાઉ મતદાર યાદીમાં રિવિઝન જરૂરી છે.
તેમણે કહ્યું કે કેટલાક દાયકાથી દરેક રાજકીય પક્ષે ફરિયાદ કરી છે કે મતદારયાદી અપડેટેડ નથી. અગાઉ 1951થી લઈને 2004 સુધી લગભગ આઠ વખત ચૂંટણીપંચે એસઆઇઆર કરાવ્યા છે. છેલ્લે 2002થી 2004 દરમિયાન એસઆઇઆર થયું હતું.
વિધાનસભાની ચૂંટણી પહેલાં બિહારમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
એસઆઇઆર પ્રક્રિયામાં મહત્ત્વની તારીખો
એસઆઇઆર માટે 28 ઑક્ટોબરથી 3 નવેમ્બર 2025 દરમિયાન ફૉર્મના પ્રિન્ટિંગ અને અધિકારીઓની તાલીમનું કામ કરવામાં આવ્યું હતું.
4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 - ઘરેઘરે જઈને મતદારોની માહિતી એકત્ર કરાશે.
9 ડિસેમ્બર, 2025 - ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જારી કરવામાં આવશે
9 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026- વાંધા -ફરિયાદો દાખલ કરી શકાશે
9 ડિસેમ્બર 2025થી 31 જાન્યુઆરી 2026 - સુનાવણી અને વેરિફિકેશન
7 ફેબ્રુઆરી 2026 - અંતિમ મતદારયાદી પ્રકાશિત થશે