બદલાઈ રહ્યો છે પ્રેમ.....
શહેરના રેસ્ટોરંટ અને વિવિધ સ્થળોએ હાથમાં ફૂલ અને ગિફ્ટ લઈને નીકળતા યુવાનોની ભીડ. દરેક ગલીના નાકે આતુરતાપૂર્વક કોઈની રાહ જોતા છોકરા-છોકરીઓ. આ દ્રશ્ય હોય છે વેલેંટાઈન દિવસ એટલેકે પ્રેમના એકરારના દિવસનો....આ દિવસે શહેરમાં જુદુ જ દ્રશ્ય જોવા મળે છે. વેલેંટાઈન દિવસ એટલે કે બીજાના પ્રત્યે આપણી પ્રેમની લાગણીને વ્યક્ત કરવાનો દિવસ. ખાસ કરીને યુવાનો આ દિવસની ખૂબ રાહ જોતા હોય છે.આ દિવસે તમે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારા દિલની વાત કહી શકો છો. વેલેંટાઈન દિવસની શરૂઆત થઈ પ્રેમને ખાતર પોતાની બલિ ચઢાવનારા એક પાદરી સેંટ વેલેંટાઈનથી. તેમણે બે પ્રેમીઓનું લગ્ન ચૂપચાપ થવા દીધુ અને જ્યારે લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેમને ફાંસીએ ચઢાવવામાં આવ્યા. બસ, પ્રેમને માટે પોતાની બલિ આપનારા એ મહાન સંતને પોતાની શ્રધ્ધાંજલિ આપવા માટે આખી દુનિયામાં વેલેંટાઈન દિવસ ઉજવવામાં આવે છે. આજે આખી દુનિયાના યુવાનો માટે આ એક ખાસ દિવસ બની ગયો છે. પરંતુ આ પ્રેમ દિવસને આજના યુવાનોએ ફક્ત પ્રેમનો એકરાર કરવાનો દિવસ સુધી સીમિત કરી દીધો છે. આજના યુવાનોને માટે વેલેંટાઈન દિવસ એટલેકે તે દિવસ જ્યારે તેઓ ગિફ્ટ આપી શકે, અને લઈ શકે, અને અહીં-તહીં ફરી શકે. એક બીજાને ભેટ આપીને યુવાનોની આ મિત્રતા કદાચ જ તેમના બીજા વેલેંટાઈન દિવસ સુધી ટકી શકતી હોય. તેમને કોઈ એકબીજા સાથે સાચો પ્રેમ નથી હોતો. બસ. આજકાલ સ્ટેટસ ખાતર લોકો પાસે ગર્લફ્રેંડ કે બોયફ્રેંડ હોવી જોઈએ જેથી તેમને તેઓ વેલેંટાઈનના દિવસે ભેટ આપી શકે કે સાથે ફરી શકે, બીજા વેલેંટાઈનના દિવસે તેમને બીજો સાથી મળી જાય છે. આ તે કેવો પ્રેમ ? જે એક વર્ષ પણ નથી ટકી શકતો તો એક જનમ કેવી રીતે ટકશે ?પ્રેમના પ્રતિકના આ દિવસને આટલે સુધી જ સીમિત કરી નાખવામાં આવ્યો છે. આજના યુવાનોએ પ્રેમની પરિભાષાને જ બદલી નાખી છે, પણ આ પાશ્ચાત્ય સંસ્કૃતિની દેન છે, પણ આપણે જ્યારે આજે તેને અપનાવી ચૂક્યા છે તો પછી કેમ તેને સાચા અર્થમાં ન અપનાવીએ. પ્રેમના કોઈ વિરોધી નથી હોતા, વિરોધી હોય છે પ્રેમ કરવાના ઢંગથી. તો પછી આવો આજે તમે પણ તમારા સાથીને તમારા સાચા પ્રેમ વિશે બતાવી દો... જે ફક્ત એક વર્ષ માટે નથી પણ છે જનમોજનમ માટે.