રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 12 નવેમ્બર 2018 (13:09 IST)

અમદાવાદના નવા નામકરણ અંગે સરકાર અને આદીવાસી સંગઠનો સામસામે

બેસતાવર્ષના દિવસે જ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત કરતાં હવે ગુજરાતમાં વિવાદ શરુ થયો છે. આદિવાસી સંગઠનોએ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા સામે વિરોધ કર્યો છે.તેમનુ કહેવુ છેકે, અમદાવાદનું પ્રથમ નામ આશાવલ હતુ.
આદિવાસી રાજાનુ શાસન હતુ. ઇતિહાસ સાથે ચેડાં થવા જોઇએ નહીં. આદિવાસી સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છેકે, જો ભાજપ સરકાર અમદાવાદનું નામ બદલી કર્ણાવતી રાખશે તો,ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે.
આદિવાસી સંગઠનોએ એવો મત વ્યક્ત કર્યો છેકે, અમદાવાદ એટલે આશાવલના મૂળ શાસકો આદિવાલી ભીલ હતાં.ઇતિહાસકારો પાસે તેના પુરાવા છે. આદિવાસી આગેવાને રોમેલ સુતરિયા કહે છેકે, ઇતિહાસ સાથે ચેડાં કરી શકાય નહી. ભાજપ જો નામાકરણ કરે તો,અમદાવાદનું આશાવલ નામ થવુ જોઇએ. કર્ણાવતી નામ આદિવાસીઓ સ્વિકારશે જ નહીં.
ધારાસભ્ય છોટુ વસાવાએ કહ્યુ કે,ચૂંટણી આવતા ભાજપને હવે બધુ યાદ આવ્યુ છે.આ માત્ર ગંદી રાજનિતી સિવાય કઇં નથી.ભાજપના નેતાઓ યાદ રાખે કે, નામ બદલાનારાઓના જ ૨૦૧૯ની ચૂંટણીમાં નામ-ઓળખ બદલાઇ જવાની છે. નામ બદલવાથી ભાજપને કોઇ રાજકીય ફાયદો થવાનો નથી.જો અમદાવાદનુ નામ કર્ણાવતી રખાશે તો,ગુજરાતમાં આદિવાસીઓ આંદોલન કરશે.ભાજપ પાસે હવે મુદ્દાઓ જ રહ્યાં નથી જેથી આવા કરતૂતો શરુ કર્યાં છે.
આ મતોનુ રાજકારણ છે તેવો ઉલ્લેખ કરતાં વિધાનસભા કોંગ્રેસપક્ષના દંડક અશ્વિન કોટવાલે જણાવ્યું કે,ચૂંટણીઓ જીતવા આ રાજકીય ષડયત્ર છે. સાડા ચાર વર્ષની નિષ્ફળતા ઢાંકવા ભાજપે હિંદુઓની લાગણીઓ ઉશ્કેરવાનુ શરુ કર્યુ છે. અમદાવાદનું નામ આશાવલ રાખવા ગુજરાતના આદિવાસીઓ ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખી એવી રજૂઆત કરશે કે, કાં તો અમદાવાદ નામ યથાવત રાખો,કાં તો, આશાવલ નામ રાખો,કર્ણાવતી નામ તો હરગીઝ નહીં. આમ,અમદાવાદના નામાકરણના મુદ્દે અત્યારથી જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે.