શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (16:27 IST)

વડોદરા શહેર અને જિલ્લામાં ગતરાત્રે બે મગરના રેસ્ક્યૂ કરવામાં આવ્યા

crocodile
વડોદરા શહેર અને જિલ્લામાં ગતરાત્રે બે મગરના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. કરજણ તાલુકાના સંતોષનગરમાં ઘરના ઓટલા પર એક મગર આવીને બેસી ગયો હતો. જેથી પરિવાર ગભરાઈ ગયો હતો અને આસપાસના લોકોનાં ટોળાં મગરને જોવા માટે ઊમટી પડ્યાં હતાં. સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમ અને વન વિભાગની ટીમે મળીને 7 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. મગરે રસ્સીમાંથી છટકવાના ખૂબ પ્રયાસ કર્યા હતા. પરંતુ, તે સફળ થઈ શક્યો ન હતો.

બીજી તરફ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ખાતેથી 4 ફૂટના મગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યૂ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.રાત્રે 3 વાગ્યે સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના પ્રમુખ સંદીપસિંઘને કરજણ તાલુકાના સંતોષનગરમાંથી કોલ આવ્યો હતો કે, મારા ઘરની બહાર એક મગર આવી ગયો છે, જેથી સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમ વન વિભાગના મહિપાલસિંહ બોડાણાને સાથે રાખી સ્થળ પર પહોંચી ગઈ હતી અને 7 ફૂટના મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો અને સહી સલામત રીતે કરજણ વન વિભાગને સોંપ્યો હતો. બીજી તરફ વિશ્વામિત્રી નદી પરના પુલ પર એક મગર આવી ચડતાં વાહન ચાલકો તેને જોતા જોતા થંભ્યા હતાં. ત્યાર બાદ તેનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.