મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 18 જાન્યુઆરી 2020 (18:21 IST)

જોજો તમારી સાથે આવું ના થાય, ફેસબૂકમાં વિદેશી યુવતીની વાતોમાં યુવકે 50 લાખ ગુમાવ્યાં

ફેસબૂક પર ફ્રેન્ડ બનેલી વિદેશી યુવતીની વાતોમાં આ‌વીને પૈસા કમાવવાની લાલચમાં સેક્ટર-26ના યુવાને 50.68 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ઠગ ટોળકીની વાતોમાં આવી ગયેલા યુવાને 10 હજારના ભાવે મળતા મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ સીડ્સનું એક પેકેટ 1.90 લાખમાં લીધું હતું. આવા 35 પેકેટ લેતા તેમને કુલ 50,68,425 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે સેક્ટર-26માં રહેતાં વિજયપ્રકાશ રમાશંકર શુક્લ એ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગ ટોળકીએ ફરિયાદીએ ખરીદેલા પેકેટ અઢી ગણા ભાવે વેચી આપવાની લાલચ આપી હતી. જોકે, પૈસા મળતા જ તેઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. છેતરપિંડી કરનારી નાઈજીરિયન ગેંગ હોવાની શંકા સેવાઈ રહી તો યુવતીનું એફબી એકાઉન્ટ પર ખોટું હોવાનું મનાય છે. આ અગાઉ પણ પાટનગરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવ બહાર આવ્યા હતા અને હવે ફરી ડબલથી વધુ નાણાં મેળવવાની લ્હાયમાં યુવકે 50 લાખ ગુમાવ્યા છે. યુવતીએ ફરિયાદીને બજારમાંથી 1.90 લાખમાં ખરીદેલું નટ્સનું પેકેટ 4.55 લાખ વેચવાનું કહ્યું હતું. જેથી તેના કહેવાથી તેણે કંપનીના મેઈલ પર કોટેસન મોકલાવતાં કંપનીના ડિરેક્ટર મીસ્ટર ડેવીડ ટામ નામથી કોટેસન સ્વીકારતો મેઈલ આવ્યો. યુવતીએ આપેલા નંબર પર ફોન કરતાં સંદીપ હુડા નામથી શખ્સે 400 ગ્રામના સીડ્સનું પેકેટ 1.90ના ભાવે આપવાની વાત કરી હતી. સેમ્પલ પાસ કર્યા બાદ ઓર્ડરની વાત કરી ફરિયાદીને બેંગલુરુ બોલાવ્યા હતા. જ્યાં મેક્સ જેસી હુગો સેમ્પલના બે પેકેટ લઈ ગયો હતો. ફરિયાદીને ફોન કરીને સેમ્પલ યોગ્ય હોવાનું કહીંને 25 પેકેટનો ઓર્ડર આપ્યો હતો. 25 પેકેટ ખરીદી ફરિયાદીએ કંપનીનો સંપર્ક કરતાં 35 પેકેટ તૈયાર રાખવાનું કીધું હતું. ફરિયાદીએ 35 પેકેટ લઈને કંપનીનો સંપર્ક કરતાં 45 પેકેટ આપવાની વાત કરતાં તેમને શંકા ગઈ હતી. જેથી તપાસ કરતાં પોતે 1.90 લાખમાં લીધેલું પેકેટ ખરેખર 10 હજારમાં મળતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓએ સંદીપ હુડાને પેકેટ પરત લઈ લેવાનું કહેતાં તમામ લોકોએ સંપર્ક બંધ કરી દીધો હતો. સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદીનો સંપર્ક કરનારા એમીલી જોન્સન, સંદીપ હુડા, ડેવીટ ટામ, મેક્સી જેસી હુગો તથા જે-જે ખાતામાં તેઓએ પૈસા ભર્યા છે તે ડી. પી. એન્ટરપ્રાઈઝ, પ્રિયંકા ટ્રેડર્સ કંપની, સુખઈ ભારદ્વાજ, શ્રી એન્ટરપ્રાઈઝ, મુકેશ સેન સહિત અન્ય સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.