જૂનાગઢ - પ્રકૃતિના લાઈવ દર્શન એટલે ગીરનારની લીલી પરિક્રમા
ગિરનારની લીલી પરિક્રમા સત્તાવાર કારતક સુદ 11ની મધ્યરાત્રીથી શરૂ થશે. પરંતુ ઉતાવળિયા યાત્રાળુઓ ગઇકાલે રાત્રીથી જ ભવનાથમાં પહોચી ગયા હતા. પરિક્રમાએ આવેલા યાત્રાળુઓને સવારનાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આગોતરી પરિક્રમા સવારથી શરૂ થઇ ગઇ છે. જંગલમાં 15 હજારથી વધુ લોકોએ પ્રવેશ કર્યો છે. પરિક્રમા માટે સૌરાષ્ટ્રભરમાંથી યાત્રાળુઓ પ્રવાહ જૂનાગઢ તરફ શરૂ થયો છે. જૂનાગઢ આવતા વાહનમાં ટ્રાફીક જોવા મળી રહ્યો છે. આજે બસ સ્ટેશન, મજેવડી દરવાજા સહિતનાં વિસ્તારમાં ટ્રાફીક જોવા મળી રહ્યો છે.પરિક્રમાને લઇ વન વિભાગનો સ્ટાફ તૈનાત થઇ ગયો છે. ગિરનારની લીલી પરિક્રમાને લઇ જૂનાગઢ રેલ્વે વિભાગ દ્વારા જૂનાગઢ થી સતાધાર વચ્ચે એકસ્ટ્રા ટ્રેન શરૂ કરવામાં આવી છે. તેમજ જૂનાગઢ આવતી 11 ટ્રેનમાં ચાર-ચાર ડબ્બા વધારવા રેલ્વે વિભાગે માંગ કરી છે. ગિરનારની લીલી પરિક્રમાને લઇ એસટી અને રેલ્વે વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ અને ટ્રેન દોડાવવામાં આવનાર છે. જૂનાગઢ રેલ્વે સ્ટેશનનાં માસ્તર એ.એન.ભાર્ગવે જણાવ્યું હતુ કે, પરિક્રમાનાં ટ્રાફીકને ધ્યાને રાખી આજથી જૂનાગઢ - સતાધાર એકસ્ટ્રા ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી સવારે 10:45એ ઉપડશે. અને સતાધારથી 4 : 23એ ઉપડશે. આ ઉપરાંત જૂનાગઢ રેલ્વે સ્ટેશને આવતી 11 ટ્રેનમાં ચાર-ચાર ડબ્બા જોડવાની માંગ કરવામાં આવી છે. તેમજ ટ્રેનમાં સફાઇ,પાણીની સુવિધા આપવામાં આવશે. રેલ્વે પોલીસનો બંદોબસ્ત રહેશે.