ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 એપ્રિલ 2020 (15:28 IST)

ગુજરાતની 3 કંપની અમેરિકામાં ક્લોરોક્વિન નિકાસ કરાશે: મુખ્યપ્રધાન રૂપાણી

ગુજરાતની 3 કંપની  અમેરિકામાં ક્લોરોક્વિન નિકાસ કરાશે: મુખ્યપ્રધાન રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતની ત્રણ ફાર્માસ્યુટિકલ કંપની, કેડિલા, મંગલમ અને વાઇટલ પોતાના ત્યાં બની રહેલા હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનનો જથ્થો અમેરિકામાં નિકાસ કરશે. આ ત્રણેય કંપની પાસે થોડા સમયમાં જ 25 ટન જેટલી ક્લોરોક્વિન બની જાય તેવી ક્ષમતા છે. રૂપાણીએ જણાવ્યું કે આ કંપનીઓએ ગુજરાત માટે જરૂરી એવી એક કરોડ હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનનો જથ્થો અનામત રાખી દીધો છે.
મંગળવારે જ દિવ્ય ભાસ્કરમાં છપાયેલા એક્સક્લુઝિવ અહેવાલમાં જણાવાયું હતું કે અમદાવાદની ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની, વલસાડની મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સ લિમિટેડ અને વડોદરાની વાઇટલ લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ આ દવાનું ઉત્પાદન કરે છે. આ તમામ કંપનીઓ પાસે હાલ 19 લાખ ટેબ્લેટનો જથ્થો તૈયાર છે અને બાર કરોડ ટેબ્લેટ બની શકે તેમ છે.
રૂપાણીનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકાના રાજદ્વારી સંબંધો હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનના પૂરવઠાને લઇને વધુ તંગ બન્યા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ક્લોરોક્વિનનો જથ્થો માંગતા ભારતે આ દવાની નિકાસ પરના નિયંત્રણો વધુ કડક બનાવ્યાં હતાં. આ પગલાં વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત આના જવાબ માટે તૈયાર રહે. જો કે ભારત સરકારે ત્યારબાદ પોતાના માટે અને પાડોશી દેશો માટે આ દવાના જથ્થાને અનામત રાખી બાકીનો જથ્થો અમેરિકા મોકલાવવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકારણ ગરમાયું હતું.
આ સંદર્ભે રુપાણીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારત પાસે આ દવાની ખૂબ મોટી માંગ કરી છે. હવે જ્યારે કેન્દ્ર સરકારે આ દવાની નિકાસની પરવાનગી આપી છે, ત્યારે ગુજરાત આ દવાને અમેરિકા મોકલવા તૈયાર છે. ગુજરાતની આ ત્રણ કંપનીઓએ ઉત્પાદન શરુ કરી દીધું છે અને તેને જલ્દી અમેરિકા મોકલાશે.